વિવાદ:લખપતના અનામત જંગલોમાં પવનચક્કીઓ મુદ્દે ભારે રોષ
પશ્ચિમ કચ્છ વન વિભાગ હસ્તક આવતા લખપત તાલુકાના બરંદા તેમજ ચકરાઈ રાખાલ અને સીમાળાના અનામત જંગલ વિસ્તારમાં ઊભી કરવામાં આવેલી પવનચક્કીઓનો મુદ્દો ગરમાયો છે. આ મામલે જાગૃત નાગરિકો દ્વારા નાયબ વન સંરક્ષકને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે કામગીરી અટકાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ફોરેસ્ટ વિભાગે કંપની સાથે મિલીભગત કરીને અનામત જંગલની વચોવચ પવનચક્કી કંપનીને રસ્તો આપી દીધો છે. એટલું જ નહીં, આ અનામત વિસ્તારમાં કંપની દ્વારા ચાર પવનચક્કીઓ ઊભી પણ કરી દેવામાં આવી છે અને હાલ પાંચમી પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે. અરજદારોએ પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યો છે કે જે અનામત જંગલમાં ખાનગી વાહનો તેમજ પશુઓને પણ પ્રવેશવાની સખ્ત મનાઈ હોય છે, ત્યાં કંપનીને આટલી મોટી પવનચક્કીઓ ઊભી કરવા માટે કયા આધારે મંજૂરી આપવામાં આવી ?. આ રજૂઆત સાથે પુરાવા રૂપે ડી.એલ.આર.નો નકશો પણ સામેલ કરવામાં આવ્યો છે. સ્થાનિક અરજદારો જત જકરીયા હાજીનુરમામદ, જત ઈસ્માઈલ આરબ, જત આરફ સાધક અને જત સરકુ મુરીદ દ્વારા આ લેખિત રજૂઆત કરવામાં આવી છે. અરજદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તપાસમાં ઢીલાશ દાખવવામાં આવશે તો તેઓ અદાલતના દ્વારા ખટખટાવશે.
Read Original Article →