ભાસ્કર ફોલોઅપ:બોર્ડની પરીક્ષામાં શંકાસ્પદ જણાયેલા 110 છાત્રોનું હિયરીંગ પૂર્ણ, 19 સામે લટકતી તલવાર
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પેપર ચકાસણી સહિતની કામગીરી આખરી તબક્કામાં છે. આ વર્ષે પરીક્ષા દરમિયાન કચ્છ જિલ્લામાં પ્રત્યક્ષ રીતે એક પણ કોપી કેસ નોંધાયો ન હતો, પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી ફૂટેજના નિરીક્ષણ દરમિયાન 110 વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાયા હતા. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારની અધ્યક્ષતામાં મળેલી કમિટીની બેઠકમાં બે દિવસ સુધી સુનાવણી યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, ખંડ નિરીક્ષક અને આચાર્યોને બોલાવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. સુનાવણીના અંતે ધોરણ 10 ના 10 અને ધોરણ 12 ના 9 વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાતા તેમનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડમાં મોકલવામાં આવ્યો છે. આ 19 વિદ્યાર્થીઓએ હવે તેમના વાલીઓ, ખંડ નિરિક્ષક અને કેન્દ્ર સંચાલકો સાથે ગાંધીનગર બોર્ડ સમક્ષ હાજર થવું પડશે. બોર્ડની ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા ફૂટેજની આખરી તપાસ કરવામાં આવશે. જો ચોરી સાબિત થશે તો વિદ્યાર્થીના તે વિષયનું અથવા જરૂર જણાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે. બેદરકારી બદલ ખંડ નિરીક્ષક અને કેન્દ્ર સંચાલક સામે પણ કડક પગલાં લેવામાં આવશે. મે મહિનામાં પરિણામ જાહેર થવાની શક્યતા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પરીક્ષાલક્ષી મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હાલ પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે. બોર્ડ દ્વારા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સ તે બાદ ધોરણ 12 કોમર્સ અને છેલ્લે માસના અંતે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
Read Original Article →