ધરપકડ:પૈસા આપતો ન હતો, ફોન ઉપાડતો નહીં એટલે મેં તેને છરી ઝીંકી દીધી
અંજારના આશાબા વે-બ્રીજ પાસે ગઈકાલે બપોરે એક સનસનીખેજ હત્યાની ઘટના બની હતી. જેમાં ગાંધીધામની રીઅલ મોટર ગેરેજમાં સાથે કામ કરતા બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ એક મિત્રએ બીજાને છરી ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો હતો. પીઆઇ એચ.એ. જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 10/4 ના બપોરે અંજાર-ગાંધીધામ સર્વિસ રોડ પર આવેલા મોર્ડન ગેરેજમાં દિપક મહેશ્વરી નામના શખ્સે ફરિયાદીના ભાણેજ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી પોતાનું મોટરસાયકલ ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે અંજાર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ SP સાગર બાગમારની સૂચના હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આરોપી પોતાનું બાઈક સ્થળ પર મૂકી ગયો હોવાથી પોલીસે ‘પોકેટ કોપ’ એપ્લિકેશનની મદદથી તેના રજિ. નંબર પરથી નામ-સરનામું મેળવ્યું હતું. ત્યારબાદ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આદિપુર રહેતા આરોપી બાબુ ઉર્ફે દિપક પ્રેમજીભાઈ મહેશ્વરીને દબોચી લીધો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તે અને મૃતક બંને ગાંધીધામમાં રીઅલ મોટર ગેરેજમાં સાથે નોકરી કરતા હતા. આરોપીએ મૃતક પાસે પૈસા લેવાના બાકી હતા, જે તે પરત આપતો ન હતો અને આરોપીનો ફોન પણ ઉપાડતો ન હતો. આ મનદુખ રાખીને દિપકે તેને છરી મારી દીધી હતી.
Read Original Article →