આદેશ:રોડ ટુ હેવન વિસ્તારમાં ડ્રોન પર પ્રતિબંધની ફરી ગાઇડલાઇન જાહેર : નિયમ તોડનાર સામે કાર્યવાહી
કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણમાંથી પસાર થતા અને રોડ ટુ હેવન તરીકે જાણીતા માર્ગ પર પ્રવાસીઓ ડ્રોન ઉડાડી શકશે નહીં. રાપર ઉત્તર વાઈલ્ડ લાઈફ રેન્જ દ્વારા વધુ એક સત્તાવાર યાદી જાહેર કરીને આ વિસ્તારમાં ડ્રોન શૂટિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રોડ ટુ હેવનની બંને તરફ કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય આવેલું હોવાથી આ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. જો કે, ફરી આ નવી ગાઈડલાઈનની કેટલી અમલવારી થશે, એ આવનારો સમય જ બતાવશે. ભાસ્કરે આ મુદ્દે અહેવાલ પ્રસિદ્ધ કરતા ફરી ગાઇડલાઇન જાહેર કરાઈ હતી. આ વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરવાથી વન્યજીવોના કુદરતી જીવનમાં ખલેલ પડે છે અને તેમના સ્વાભાવિક વર્તનમાં વિક્ષેપ ઊભો થાય છે. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ આ સુરક્ષિત વિસ્તારમાં ડ્રોન શૂટિંગ કરવું એ ગંભીર ગુનો બને છે. વધુમાં, આ માર્ગ સીમા સુરક્ષા દળ BSF હદની ખૂબ જ નજીક આવેલો હોવાથી સુરક્ષાના કારણોસર પણ આ વિસ્તારને ડ્રોન પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો છે. વન વિભાગે આ અંગેની જાણકારી આપતા સાઈન બોર્ડ પણ સમગ્ર વિસ્તારમાં લગાવી દીધા છે જેથી પ્રવાસીઓને પૂરતી જાણકારી મળી રહે. જો કોઈ પણ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તો તેની સામે વન વિભાગ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા આપવામાં આવી છે. જો કે, અગાઉ પણ જિલ્લાસ્તરના જાહેરનામા અને ગાઇડલાઇન મૂકાયા હતા. કડક અમલવારી કરી તંત્ર સંકલન સાધી ગુન્હો દાખલ કરી ધાક બેસાડતી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો જ બોધપાઠ મળશે. આઉટપોસ્ટ પણ બિનકાર્યરત, વનવિભાગનો સ્ટાફ ઓછો
રોડ ટુ હેવન પર પોલીસ દ્વારા આઉટપોસ્ટ મૂકાઈ છે. જે ઑફ સિઝનમાં હાલ બંધ જેવી હાલતમાં જ છે. જો અહીં પોલીસ કે સ્ટાફની હાજરી હોય તો સ્વાભાવિક દંડની બીક રહે. હાલ ધોળાવીરા નજીક જ્યાં સુરખાબનો મેળો જામ્યો છે, ત્યાં કોઈ સુરક્ષા માટે વ્યક્તિ કે વ્યવસ્થા નથી. વનવિભાગ પાસે સ્ટાફની પણ અછત છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી ગ્રાઉન્ડ પર આકરા પગલાં નહીં લેવાય ત્યાં સુધી કથિત સોશ્યલ મીડિયા પેઈજ અને ઇન્ફ્લુએન્સર ડ્રોન શૂટ કરતા કેમ અટકશે? તે પ્રશ્ન યથાવત છે.
Read Original Article →