રજૂઆત:ભુજને આં.રાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા ગ્લોબલ કચ્છ ફેડરેશનની રજૂઆત
ગ્લોબલ કચ્છ ફેડરેશનના ચેરમેન અનિલ ગોર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત કરવા રજૂઆત કરવામાં આવી છે. કચ્છના ઝડપી વિકાસ અને વૈશ્વિક જોડાણને ધ્યાનમાં રાખીને કરાયેલી આ માંગમાં જણાવાયું છે કે, વિશ્વના 192 દેશોમાં વસતા કચ્છીઓ વ્યાપાર-ઉદ્યોગમાં મોટું પ્રદાન આપી રહ્યા છે, પરંતુ સીધી હવાઈ સેવાના અભાવે તેમને મુશ્કેલી પડી રહી છે. ઓમાન-મસ્કત સ્થિત ડાયરેક્ટર કાનજીભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, ગલ્ફ દેશોના કચ્છીઓને મુંબઈ કે અમદાવાદ થઈને ભુજ આવવું પડે છે. જો સીધી ફ્લાઈટ શરૂ થાય તો માત્ર 1.5 કલાકમાં કચ્છ પહોંચી શકાય. આ ઉપરાંત, લંડન સ્થિત ડાયરેક્ટર કુંવરજીભાઈ કેરાઈના મતે, એર કાર્ગો સુવિધાથી કચ્છની કેસર કેરી, હેન્ડીક્રાફ્ટ અને મસાલાની સીધી નિકાસ થતા સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. કચ્છના NRI લોકોના અંદાજે 17,000 કરોડ બેંકોમાં જમા છે. જો આધુનિક કનેક્ટિવિટી નહીં મળે તો નવી પેઢીનું માતૃભૂમિ સાથેનું જોડાણ ઘટશે અને આ મૂડી વિદેશ તરફ સ્થળાંતરિત થવાની ભીતિ છે. ભુજ એરપોર્ટ પાસે હાલ 2762.5 મીટર લાંબો રનવે છે, જે બોઇંગ-777 જેવા મોટા વિમાનો માટે સક્ષમ છે. અગાઉ 1970 સુધી ભુજ આંતરરાષ્ટ્રીય દરજ્જો ધરાવતું જ હતું. એરપોર્ટનું પ્રવાસન દૃષ્ટિએ ખુબ જ મહત્વ
ધોરડોનું સફેદ રણ, ધોળાવીરા અને સ્મૃતિવન જેવા સ્થળો જોવા લાખો પ્રવાસીઓ આવે છે. ગ્લોબલ કચ્છ ફેડરેશનના ડાયરેક્ટર સચિનભાઈ નાકરે ઉમેર્યું કે, જો શ્રીનગર અને જૈસલમેર જેવા સરહદી એરપોર્ટ આંતરરાષ્ટ્રીય બની શકતા હોય, તો સુરક્ષાના કારણો આપી ભુજને વંચિત રાખવું અયોગ્ય છે. હાલમાં 1200 મુસાફરોની ક્ષમતા ધરાવતું નવું ટર્મિનલ પણ તૈયાર થઈ રહ્યું છે. ફેડરેશને આ બાબતે પ્રધાનમંત્રીને રૂબરૂ મળીને વિસ્તૃત રજૂઆત કરવા માટે સમયની પણ માંગણી કરી છે.
Read Original Article →