વોર્ડ 5માં ભાજપનો છબરડો:OBC સીટ પર જનરલ કેટેગરીના ઉમેદવારે ભર્યું ફોર્મ

Gujarat4/13/2026, 1:48:59 AM
ભુજમાં વોર્ડ નં. 5માં ચૂંટણી વ્યવસ્થાપનમાં શિસ્તબદ્ધ મનાતી પાર્ટી ભાજપની મોટી ભૂલ સપાટી પર આવી છે. પક્ષ દ્વારા અગાઉ આ વોર્ડ માટે મહેશ હંસરાજ વાણંદને ટિકિટ ફાળવાઈ હતી. જોકે, ટિકિટ અપાયા બાદ સામે આવ્યું કે તેમને 3 સંતાનો છે. નિયમો મુજબ 3 સંતાન ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડી શકતા નથી. તેથી પક્ષને ઉમેદવાર બદલવાની નોબત આવી હતી અને રાજપૂત સમાજના હિરેન રાઠોડને ટિકિટ આપી હતી. તેમણે પોતાનું ફોર્મ પણ ભરી દીધું. પરંતુ, વોર્ડ નં. 5ની આ સીટ ખરેખર ‘ઓબીસી’ અનામત છે, જ્યારે રાજપૂત સમાજનો સમાવેશ ઓબીસીમાં નહીં, પરંતુ ‘જનરલ’ કેટેગરીમાં થાય છે. રવિવારે જ્યારે વાયુ વેગે આ બાબત જાહેર થઈ ત્યારે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી અને સમાજના લોકોમાં પણ આ ગેરવહીવટથી નારાજગી જોવા મળી હતી. સોમવારે જ્યારે ફોર્મની ચકાસણી થશે ત્યારે હિરેન રાઠોડનું મૂળ ફોર્મ રદ થાય તેવી સંભાવના છે અને તેમના સ્થાને ડમી ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવે તેમ મનાય છે. જે પક્ષ પોતાની ચૂંટણીલક્ષી કામગીરીમાં અત્યંત શિસ્ત અને ચોકસાઈનો આગ્રહ રાખે છે, તે પક્ષે એક જ વોર્ડમાં સળંગ બે વખત આવી ગંભીર ભૂલો કરતા અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. હાલ સૌથી મોટો અને તપાસ માંગી લેતો સવાલ એ ઊભો થયો છે કે, જો ઓબીસી અનામત સીટ પર જનરલ કેટેગરીના ઉમેદવારે ફોર્મ ભર્યું છે, તો તેની સાથે કોઈ ઓબીસી જ્ઞાતિનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું છે કે કેમ? તે દિશામાં પણ તપાસ થવી જરૂરી છે.
Read Original Article →