ખેડૂતોના 30 વર્ષ જૂના કબ્જા પર વન વિભાગનું બુલડોઝર:નિરોણા જંગલમાંથી 300 હેક્ટરનું દબાણ દૂર થશે, 180 હેકટર હટ્યું !
કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન ભૂમિ પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરીને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નખત્રાણા (પૂર્વ) રેન્જના નિરોણા અનામત જંગલ વિસ્તારમાંથી આશરે 30 વર્ષ જૂનું 300 હેક્ટર જેટલું મોટું બિનઅધિકૃત ખેતીવિષયક દબાણ હટાવવાનું ઓપરેશન શરૂ કરાયું છે, જેમાં પ્રથમ દિવસે વન વિભાગે 180 હેક્ટર જમીન ખાલી કરાવી છે. આ જમીન ખાલી થયા બાદ વન વિભાગ આગામી વર્ષ 2027-28 દરમિયાન આ 307 હેક્ટર વિસ્તારમાં મોટા પાયે નવું વાવેતર કરીને જંગલને ફરીથી હરિયાળું બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરશે. અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. 65 વનકર્મીઓ અને 65 પોલીસ જવાનોએ કામગીરી કરી
ગાંધીનગર સચિવાલય દ્વારા વર્ષ 1979થી ‘અનામત જંગલ’ જાહેર કરાયેલી નિરોણાની 6766.25 હેક્ટર જમીન પૈકી ભાગ-1 ની જમીનમાં સ્થાનિક અને આજુબાજુના લોકોએ ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતી ચાલુ કરી દીધી હતી. આ 300 હેક્ટરનું દબાણ તોડવા માટે વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલ અને નાયબ વન સંરક્ષક એચ. જે. ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં નખત્રાણા, માંડવી અને ભુજ રેન્જના અધિકારીઓ સહિત વન વિભાગના 65 કર્મચારીઓ અને પોલીસ તંત્રના 65 જવાનો 20 જેસીબી મશીન તેમજ 15 ટ્રેક્ટરો જેવા મોટા સાધનો સાથે મેદાનમાં ઉતર્યા હતા. સાંયરા અને શિણાપર જંગલમાં પણ બોલાવાયો સપાટો
3 જૂનથી 6 જૂન દરમિયાન નખત્રાણાના સાંયરા ગામે આવેલ સેક્શન-4 ની જમીનમાંથી આશરે 20 હેક્ટર જેટલું બિનઅધિકૃત ખેતીવિષયક દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ પૂર્વે ગત 2 જૂનના દયાપર રેન્જના ઘડુલી રાઉન્ડ હેઠળ આવતા શિણાપર અનામત જંગલ વિસ્તારના કુલ 884 હેક્ટર પૈકીના વિસ્તારમાંથી પણ વન વિભાગે 100 હેક્ટર જેટલી જમીન ગેરકાયદેસર કબ્જામાંથી મુક્ત કરાવી હતી. જ્યાં દબાણ હતા ત્યાં આવતા વર્ષે જંગલ બનાવવા વૃક્ષારોપણનો પ્લાન
પશ્ચિમ કચ્છ ડીસીએફ એચ. જે ઠક્કરે દબાણકારોને ચેતવણી આપતા કહ્યું કે, સરકારી કે જંગલની જમીન પર કબ્જો કરવો નહીં. જો ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ વન વિસ્તારમાં બિનઅધિકૃત પ્રવેશ કે દબાણ કરતા પકડાશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં જ્યાં દબાણ દૂર કરવામાં આવ્યા છે, ત્યાં વૃક્ષારોપણ કરી અને જંગલો નિર્માણ કરવાનો પ્લાન છે.
Read Original Article →