નવા ટર્મિનલનું કામ પુરજોશમાં:મુન્દ્રા એરપોર્ટથી ચાલુ માસના અંત સુધીમાં વિમાની સેવાનો થશે પ્રારંભ

Gujarat4/9/2026, 1:50:10 AM
નવા ટર્મિનલનું કામ પુરજોશમાં:મુન્દ્રા એરપોર્ટથી ચાલુ માસના અંત સુધીમાં વિમાની સેવાનો થશે પ્રારંભ
મુન્દ્રા ખાતે આવેલું પ્રાઈવેટ એરપોર્ટ હવે જાહેર જનતા માટે ખુલ્લું મુકવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. ચાલુ માસના અંત સુધીમાં અહીંથી નિયમિત ફ્લાઈટ્સ શરૂ કરવાનું આયોજન કરાયું છે. હાલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે નવા ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રોજની ચાર ફ્લાઈટ્સની અવરજવરને પહોંચી વળવા માટે પ્રવાસીઓને બેસવાની વ્યવસ્થા, પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષા તપાસ માટેની સિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટાર એર દ્વારા મુન્દ્રાથી મુંબઈ, સુરત, દિલ્હી અને ગોવા એમ ચાર અલગ-અલગ રૂટ પર 78 સીટરના વિમાનો ઉડાડવામાં આવશે. આ સેવાઓ માટેનું અંદાજિત ભાડું 5 હજારની આસપાસ રહેવાની સંભાવના છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સુરક્ષા સહિતની તમામ ટેકનિકલ બાબતોનું નિરીક્ષણ કરાયું છે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓને સીધી હવાઈ કનેક્ટિવિટીનો લાભ મળશે. સ્ટાર એર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ 25 એપ્રિલથી સેવાનો આરંભ થશે, જેમાં મુંબઇથી 12:45 કલાકે ફ્લાઇટ ઉડાન ભરી 14:15 કલાકે મુન્દ્રા અને મુન્દ્રાથી 14:45 કલાકે ઉડાન ભરી 16:15 કલાકે મુંબઇ પહોંચાડશે. સોમ, મંગળ, બુધ, ગુરૂ અને શનિવારે સેવાનો લાભ મળશે, જ્યારે મુન્દ્રાથી હિડન (દિલ્હી)ની ફ્લાઇટ બપોરે 13:45ના ઉપડી 15:45ના પહોંચાડશે, જ્યારે રીટર્નમાં 16:15ના ઉપડી 18:15ના મુન્દ્રા પહોંચાડશે, જેનો લાભ મંગળ અને બુધવારે મળશે, જ્યારે ગુરૂવારે મુન્દ્રાથી 10:45થી 12:45 અને હિડનથી 13:15થી 15:15નો મુસાફરી સમય રાખવામાં આવ્યો છે. જ્યારે સુરતથી બપોરે 3:15 કલાકે ઉપડી 4:35ના મુન્દ્રા પહોંચશે. આ ફ્લાઇટ સોમ, મંગળ, બુધ, શુક્ર અને રવિના ઉપડશે.
Read Original Article →