વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી:જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 હજારથી વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે
કચ્છ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં 1 જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા યોજાશે. સમગ્ર જિલ્લામાં કુલ 1896 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા 10,000થી વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મુખ્ય સ્ટાફ તરીકે 8355 કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યારે 1900 જેટલા વર્ગ-4ના કર્મચારીઓ પણ આ પ્રક્રિયામાં સહભાગી બનશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને 1178 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, જેની સાથે GRD અને SRD અને હોમગાર્નાડના જવાનો પણ સામેલ હશે. તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાના પાલન, બેલેટ પેપર મેનેજમેન્ટ, EVM તાલીમ અને મતદાન જાગૃતિ જેવા મહત્વના કાર્યો માટે અલગ-અલગ નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી સંચાલન માટે જિલ્લા પંચાયતમાં 10 આર.ઓ (રિટર્નિંગ ઓફિસર) અને 17 એ.આર.ઓ, (આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર) તાલુકા પંચાયતોમાં 22 આર.ઓ અને 22 એ.આર.ઓ, નગરપાલિકાઓ માટે 7 આર.ઓ અને 7 એ.આર.ઓ તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા માટે ૩ આર.ઓ અને ૩એ.આર.ઓની જવાબદારી સોંપવામાં આવી છે. 1166 ઈમારતોમાં 1896 મથકો ઉભા કરવામાં આવ્યા
જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્રે આંકડાકીય વિગતો જાહેર કરી છે. સમગ્ર જિલ્લામાં કુલ 1166 પોલીંગ સ્ટેશન લોકેશન (ઇમારતો) નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કુલ 1896 મતદાન મથકો પર લોકશાહીનો પર્વ ઉજવાશે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી વધુ 234 મથકો માટે 105 લોકેશન ફાળવાયા છે. જ્યારે નગરપાલિકાઓમાં ભુજ (128 મથક) અને અંજાર (66 મથક) મોખરે છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો ભુજ તાલુકામાં 293 અને રાપર તાલુકામાં 199 મથકો પર મતદાન થશે.
Read Original Article →