ગાર્ડનમાં બાથરૂમ બંધ, વીજ ચોરીનો આક્ષેપ, સિક્યુરિટી નથી:ભુજમાં 13 હજાર સિનિયર સિટીઝન પણ દાદા-દાદી પાર્કમાં શાંતિ મળતી નથી
શહેરના દાદા-દાદી પાર્કમાં શાંતિ, સુરક્ષા અને સુવિધા જાળવવા માટે પાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે પ્રમુખ અને કારોબારી ચેરમેનને રજુઆત કરાઈ હતી. ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ કચ્છ યુનિટ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, શહેરમાં અંદાજે 13 હજારથી વધુ સિનિયર સિટિઝનો વસવાટ કરે છે. મોટાભાગના વરિષ્ઠ નાગરિકો પાર્કમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય પસાર કરવા આવે છે પણ સતત સંગીતના ઘોંઘાટથી તેઓ અસ્વસ્થતા અનુભવે છે. આસપાસના વેપારીઓ, ધાર્મિક સ્થળો અને મુલાકાતીઓ પર અસર પડે છે. પાર્કના બાથરૂમ લાંબા સમયથી બંધ છે. રજૂઆત મુજબ પાર્કમાં વીજ થાંભલામાંથી વાયર ખેંચી ખુલ્લા કનેક્શન દ્વારા વીજ પુરવઠાનો ઉપયોગ કરાય છે. આ અંગે અગાઉ પુરાવા સાથે ચીફ ઓફિસરને જાણ કરાઈ છતાં કાર્યવાહી ન થઈ હોવાનો દાવો કરાયો છે. દાદા-દાદી પાર્કમાં માત્ર સિનિયર સિટિઝનોને જ ગીત-સંગીત પ્રવૃત્તિ માટે મંજૂરી આપવામાં આવે, ચોકીદારની નિમણૂક કરી પ્રવેશ વ્યવસ્થા કડક બનાવાય તેમજ પાર્કનો ઉપયોગ વરિષ્ઠ નાગરિકોના હિતમાં થાય તે સુનિશ્ચિત કરવાની માંગ સાથે રજૂઆત કરાતા પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન દ્વારા સિનિયર સિટીઝનની સુવિધામાં વધારો કરવા તથા આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ હોવાનું અખબારી યાદીમાં જણાવ્યું છે. કરાઓકેમાં રોટેશનની માંગ
હાલ થોડાક જ ગ્રુપોને વારંવાર ગીત-સંગીત કાર્યક્રમો માટે સમય ફાળવાતો હોવાનો આક્ષેપ કરાયો છે. અનેક અન્ય ગ્રુપોએ લેખિતમાં સમય ફાળવણી અને જરૂરી ફી ભરવાની તૈયારી દર્શાવી હોવા છતાં તેમને તક મળતી નથી.પારદર્શક રોટેશન સિસ્ટમ અમલમાં મૂકીને તમામ ગ્રુપોને સમાન તક અપાય તેવી માંગ છે. પાર્કમાં નિયમિત કાર્યક્રમો યોજતા કેટલાક ગ્રુપો ફાળવેલ સમય અથવા સ્થળ છોડવા તૈયાર નથી, જેના કારણે અસંતોષ ફેલાયો છે.
Read Original Article →