કર્મચારીઓને સમયસર વેતન ન મળતા આર્થિક મુશ્કેલીમાં:કચ્છમાં આરોગ્ય વિભાગના 2700થી વધુ કર્મચારીઓ છેલ્લા ૩ મહિનાથી પગાર વિહોણા

Gujarat5/24/2026, 12:07:18 AM
આરોગ્ય વિભાગની કરોડરજ્જુ સમાન હજારો કરાર આધારિત કર્મચારીઓ છેલ્લા ૩ મહિનાથી ‘પગાર’ વિહોણા છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામ કરતા આ કર્મચારીઓને વેતન ન મળતા હાલત કફોડી બની છે. પ્રથમ બે મહિના સુધી તો ગ્રાન્ટના આભાવે પગાર ચૂકવાયો ન હતો. ગત સપ્તાહે સ્ટેટમાંથી ગ્રાન્ટ તાલુકા કક્ષાએ પણ આવી ગઈ હોવા છતાં પગાર ન ચુકવતા કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. માર્ચ અને એપ્રિલ માસના પગારની ચુકવણું થયું નથી ત્યાં મે માસના 24 દિવસનો સમય વીતી ગયો છે કચ્છના 2700થી વધુ કર્મચારીઓ વેતનથી વંચિત રહ્યા છે. કચ્છ જિલ્લામાં 1 હજાર જેટલા નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ અને 1700થી વધુ આશા વર્કરો મળી કુલ 2700થી વધુ પરિવારો આર્થિક મુશ્કેલીમાં સપાયા છે. NHM અંતર્ગત કેન્દ્ર સરકારનો 60% અને રાજ્ય સરકારનો 40% હિસ્સો હોય છે. આ પરિસ્થિતિમાં પાયાના સ્તરે સેવા આપતા ડેટા એન્ટ્રી ઓપરેટર, લેબ ટેકનિશિયન, સ્ટાફ નર્સ અને આશા વર્કરો જેમના જોરે સરકારી આરોગ્ય વિભાગ ચાલે છે, તેમને જ ૩ મહિનાથી ફૂટી કોડી પણ મળી નથી. સરકાર દ્વારા પબ્લિક સર્વિસ મેનેજમેન્ટ સીસ્ટમ (PSMS) લાગુ કરવામાં આવી રહી છે. જેમાં પણ ખામીઓ હોવાના કારણે વિલંબ થઇ રહ્યો છે. અમુક કર્મચારીઓના આધાર સીડિંગ ન હોવાના કારણે પેમેન્ટ થઇ શકતું ન હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સ્ટેટમાંથી ગ્રાન્ટ આવી ગઈ છે, અને 4 તાલુકામાં પગાર ચૂકવાઈ ગયા છે. 6 તાલુકામાં હજુ પગાર થયા નથી. જો કે આગામી સોમવાર અથવા મંગળવાર સુધીમાં પગારનું ચુકવણું કરી દેવામાં આવશે. તમામ કર્મચારીઓના બીલ સબમિટ કરી દેવાયા છે, તે બીલ તિજોરી કચેરીમાં જશે અને ત્યાર બાદ પબ્લિક સર્વિસ મેનેજમેન્ટ સીસ્ટમના માધ્યમથી ડીબીટીના દ્વારા કર્મચારીઓના બેંક ખાતામાં પગાર જમા થઇ જશે. ઉલ્લેખનીય છે કે, અવાર નવાર આશા વર્કરને પૂરતો અને સમયસર પગાર ન મળતો હોવાની ફરિયાદો સામે આવે છે. સમયસર પગાર ન મળતા હાલાકી ભોગવવી પડે છે. નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓને સમયસર વેતન ન મળતા આર્થિક મુશ્કેલીમાં 4 તાલુકામાં પગાર ચૂકવાઈ ગયો છે, બાકી 6માં સોમવારે પગાર મળી જશે: સીડીએચઓ
Read Original Article →