ઘરમાં લગાવેલા કેમેરામાં સમગ્ર બનાવ સામે આવ્યો:વૃદ્ધ માતા અને દિવ્યાંગ પુત્રે એક જ દિવસે દુનિયા છોડી
કંસારા બજાર નજીક આવેલા રવાણી ફળિયાની વ્યાસ શેરીમાં અત્યંત કરુણ ઘટના સામે આવી હતી. જેમાં એક જ ઘરમાં રહેતા વૃદ્ધ માતા અને તેમના દિવ્યાંગ પુત્રના કરુણ મોત નિપજતા શોકની લાગણી પ્રસરી હતી. દરવાજો તોડી પોલીસ ઘરમાં પ્રવેશી : ઘરમાં લગાવેલા કેમેરામાં સમગ્ર બનાવ સામે આવ્યો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, આ ઘરમાં 70 વર્ષીય રસીલાબેન પ્રફુલચંદ બારમેડા તેમના 34 વર્ષીય પુત્ર ભારતભાઈ સાથે રહેતા હતા. માતા વૃદ્ધાવસ્થાના કારણે અશક્ત હતા, જ્યારે પુત્ર ભારતભાઈ પગથી પેરાલિસિસ હોવાથી દિવ્યાંગ જીવન જીવી રહ્યો હતો. આ બંને માતા-પુત્ર એકબીજાનો સહારો બનીને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. બુધવારની સવારે ઘરનો દરવાજો લાંબા સમય સુધી ન ખુલતા શંકા ગઈ હતી. જેથી 112 નંબર પર પોલીસને જાણ કરતા એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે રસીલાબેન પેટી-પલંગ પર બેભાન અવસ્થામાં હતા, જ્યારે અંદરના રૂમમાં પુત્ર ભારતભાઈ પણ બેભાન મળી આવ્યા હતા. તત્કાળ 108 એમ્બ્યુલન્સને બોલાવાઈ હતી, પરંતુ મેડિકલ ટીમે તપાસીને બંનેને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી છે પરંતુ આ સમગ્ર ઘટના પાછળનું પ્રાથમિક કારણ કુદરતી મોત અને ત્યારબાદ સર્જાયેલો ઘટનાક્રમ હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા એ ડિવિઝન પીઆઈ એમ.આર.નકુમ સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા. પહેલા માતાનું મોત અને પછી પુત્રએ શ્વાસ છોડયા આ ઘટનાનું સત્ય જાણવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરાઇ હતી. ફૂટેજ મુજબ, પોલીસે જણાવ્યુ કે, બુધવારે વહેલી સવારે અંદાજે 6.30 વાગ્યાના અરસામાં માતા રસીલાબેનનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. હાર્ટ એટેકનો હુમલો આવતા તેઓએ મદદ માટે બુમો પાડી હતી આ દરમ્યાન અંદરના રૂમમાં સૂતેલો પુત્ર ઉઠી ગયો પણ પલંગ પરથી ઉભા થવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ પેરાલિસિસના કારણે સંતુલન ગુમાવી પલંગ પાસે રહેલા ડ્રેસિંગ ટેબલ સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં તેમને ગરદનના ભાગે ઈજા થઈ હતી. પેરાલિસિસની બીમારીના કારણે તેઓ પોતાની જાતે ઉભા થઈ શકે તેમ નહોતા અને આસપાસ મદદ માટે કોઈ ન હોવાથી પીડા અને ઈજાના કારણે તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નિપજ્યું હતું અને બહાર માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
દોઢ દાયકા અગાઉ પુત્રને પેરાલિસીસ થયો હતો હતભાગી ભારતના ભાઈનું 2012માં હાર્ટ એટેકથી મોત થયું હતું ત્યારે આઘાતમાં આવી જતા ભારતને પગનો પેરાલીસીસ થયો હતો અને ત્યારથી સેવા ચાકરી કરવામાં આવતી હતી તેમ પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. એક સાથે માતા-પુત્રના મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઇ જવા સાથે સ્થાનિકે શોક ફેલાયો હતો. પિતા અને ભાઈનું હાર્ટ એટેકથી મોત થયું હતું મૃતકના પરિવારજનોએ પોલીસને આપેલી માહિતી મુજબ, વર્ષ 2017માં પ્રફુલચંદનું હાર્ટ એટેકથી મોત થયું હતું તેમના બે દીકરા હતા જેમાં એક પુત્ર સાગરનું 2012માં હાર્ટ એટેકથી મોત થયું હતું બાદમાં માતા-પુત્ર ઘરમાં રહેતા હતા અને એકબીજાનો સહારો હતો પણ તેઓનું હાર્ટએટેકથી મોત થયું છે. હૃદય રોગથી પરિવારનો કરુણ અંત આવ્યો છે. ઘરે કામ કરવા મહિલા આવ્યા ત્યારે જાણ થઈ તેમના ઘરે રવાણી ફળીયામાં રોજિંદા સમય મુજબ ઘરે કામ કરવા આવતા મહિલા આવ્યા પણ દરવાજો ખુલ્યો ન હતો.જેથી આસપાસ અને પરિવારના સભ્યોને જાણ કરાઈ હતી જેથી તેઓ આવ્યા અને બાદમાં પોલીસને જાણ કરાઈ હતી બાદમાં પોલીસે ઘરમાં લગાવેલા કેમેરામાં સમગ્ર મામલો કેદ થયો હતો.
Read Original Article →