વાણીયાવાડમાં ઘાતકી હત્યા:રાશનના 4 લાખ માટે બોટલ-દસ્તો ફટકારી વૃદ્ધની હત્યા

Gujarat4/10/2026, 1:11:13 AM
વાણીયાવાડમાં ઘાતકી હત્યા:રાશનના 4 લાખ માટે બોટલ-દસ્તો ફટકારી વૃદ્ધની હત્યા
શહેરના વાણીયાવાડ વિસ્તારમાં એકાકી જીવન જીવતા અને સાધનિક ચેરીટેબલ ટ્રસ્ટના વૃદ્ધ સંચાલકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર ફેલાઈ છે. પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપીની દુકાનેથી સંસ્થા માટે રાશન ખરીદીના બાકી રહેલા રૂપિયા બાબતે બોલાચાલી બાદ આરોપીએ વૃદ્ધને માથાના ભાગે બોટલ અને દસ્તો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ 4 કલાક પછી આરોપીએ ખુદ પોલીસ સામે હાજર થઇ કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વાણીયાવાડ વિસ્તારમાં અસ્ટપદા બિલ્ડીંગના બીજા માળે આવેલ ફ્લેટ નંબર ૩માં રહેતા 71 વર્ષીય રશ્મીકુમાર કનકલાલ ભુલાણી(શાહ)ની હત્યા કરી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે હોસ્પિટલ રોડ પર રહેતા મૃતકના ભાઈ ફરિયાદી પંકજભાઈ કનકલાલ શાહે ભુજ શહેરએ ડીવીઝન પોલીસ મથકે પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપી નીલેશ હસમુખલાલ શાહ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 8 એપ્રિલના રાત્રે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીના ભાઈ સાધનિક ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક હતા. જે સંસ્થા માટે આરોપીની દુકાન પરથી રાશનની ખરીદી કરતા હતા. જેના બાકી રહેતા રૂપિયા માટે આરોપી મૃતકને ઘરે ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે બોલાચાલી થતા આરોપીએ મેટલની પાણીની બોટલ મૃતકને માથામાં ફટકારી હતી. ત્યાંથી ન અટકતા આરોપીએ મેટલના દસ્તાથી માથામાં ગંભીર ઈજા પહોચાડી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર મામલે ભુજ શહેરએ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એમ.આર.નકુમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મૃતક આરોપી પાસેથી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રાશન ખરીદતા હતા, જેના રૂપિયા 4 લાખ બાકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યાના બનાવ બાદ આરોપી ખુદ પોલીસ મથકે આવ્યો હતો અને હત્યા નીપજાવી દીધી હોવાની કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુરાવાનો નાશ કરવા કેમેરાનો ડીવીઆર કાઢ્યો આરોપીએ રાત્રે 10 વાગ્યે હત્યાના બનાવને અંજામ આપી દીધા બાદ મૃતકના ઘરમાં લગાડેલ સીસીટીવી કેમેરાનો ડીવીઆર કાઢી લઇ પુરાવાનો નાશ કર્યો હતો. એક સમયે ગુનાથી બચવાનો પ્રયાસ કરનાર આરોપી હત્યાના ચાર કલાક બાદ રાત્રે બે વાગ્યે ખુદ એ ડીવીઝન પોલીસ મથકે હાજર થયો હતો અને પોતે હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસ મૃતકના ઘરે પહોચી હતી. ત્યારે વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ બેડરૂમમાં પડેલો દેખાયો હતો. જોકે આરોપીએ કેમેરાનો ડીવીઆર શા માટે કાઢ્યો તે સહીતની વિગતો વધુ તપાસ દરમિયાન સામે આવશે.
Read Original Article →