પક્ષીઓના સ્વર્ગમાં ખલેલ ન કરો:‘કુંજ સોલાર પેનલને છારીઢંઢ સમજશે, અંતે ઘાયલ થશે અથવા મોતને ભેટશે’
નખત્રાણા તાલુકાના ફુલાય ગામ પાસે વૈશ્વિક નકશે અત્યંત મહત્વપૂર્ણ છારીઢંઢ રામસર સાઈટની બિલકુલ નજીક અંદાજિત 500 મીટર દૂર એનટીપીસીનો સોલાર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, તેના વિરોધ વચ્ચે નવો વળાંક આવ્યો છે. દેશના ટોચના પક્ષી વૈજ્ઞાનિકએ દાવો કર્યો છે કે, જો અહીં પ્રોજેક્ટ સ્થપાશે તો ‘લેક ઇફેક્ટ’થી કુંજ પક્ષીઓ સોલાર પેનલને છારીઢંઢ સમજી ઉતરશે. અંતે, ભટકાઈને ઘાયલ થશે અથવા તો મોતને ભેટશે તેવી શક્યતાઓ છે. આ વચ્ચે ધારાસભ્યની આગેવાનીમાં રી-સર્વેની માંગ પણ ઉઠી છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પૂર્વ ડાયરેક્ટર અને ૪૫ વર્ષનો સંશોધન અનુભવ ધરાવતા દેશના જાણીતા પક્ષીવિજ્ઞાની ડો. અસદ રહેમાનીએ છારીઢંઢ મુદ્દે એક ચિંતાજનક દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, સોલાર પેનલોથી સર્જાતી ‘લેક ઇફેક્ટ’ (જેના કારણે સોલાર પેનલો આકાશમાંથી પાણીના સ્ત્રોત જેવી દેખાય છે) ને લીધે ભ્રમિત થઈને કુંજ પક્ષીઓ તેને છારીઢંઢ વેટલેન્ડ સમજીને ત્યાં ઉતરાણ કરશે. આ ભ્રમને કારણે પક્ષીઓ પેનલો સાથે ભટકાશે, જેના પરિણામે તેઓ ગંભીર રીતે ઘાયલ થશે અથવા તો મોતને ભેટશે. આ સ્થિતિ કચ્છના આ વિશિષ્ટ પક્ષીઓ અને ઇકોસિસ્ટમ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. તેમને ઉમેર્યું કે, પક્ષીઓને ખબર નથી કે કઈ જમીન સરકારી છે અને કઈ રામસર સાઈટ !. દરવર્ષે અંદાજિત 40-50 હજાર કુંજ પક્ષીઓ સાયબેરિયાથી શિયાળો ગાળવા છારીઢંઢ આવે છે, જો આ પ્રોજેક્ટ આવશે તો તેની વીજલાઇન પણ ઘાતક સાબિત થશે. પક્ષીઓના સ્વર્ગમાં ખલેલ ન કરો હિલ્ડ એનર્જી કંપની દ્વારા ગતિવિધિ હાથ ધરાતાં એકસાથે 11 ગામના ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો. છારીઢંઢ નજીક પ્રસ્તાવિત આ પ્રોજેક્ટમાં ધારાસભ્ય પી.એમ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને રી-સર્વેમાં માંગ કરી છે. પોલીસ કંપનીને પ્રોટેક્શન આપે છે : ધારાસભ્ય અબડાસાના ધારાસભ્ય પી.એમ જાડેજાએ ખાખી પર આક્ષેપ કરતા જણાવ્યું કે, કંપનીને કોઈ પણ ઠોસ કાયદાકીય આધાર વિના, ખોટી રીતે પોલીસ સંરક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીના એક વિવાદિત પોલીસ અધિકારી એક સિમેન્ટ કે કાંકરીની ગાડીને પણ પોલીસ ગાડીથી પ્રોટેક્શન પૂરું પાડી રહ્યા છે.આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ નારાજગી વ્યક્તિ કરાઈ છે. ઇકો-ટુરિઝમ ઉપરાંત પશુપાલન, ગૌચરને અસર પહોંચશે : સ્થાનિક ફુલાયના સ્થાનિક બેગમામદ મુતવાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત અમારી ગામતળની જમીન આવે છે. રમત ગમ્મત મેદાન, કબ્રસ્તાન સહીત સમાવેશ થાય છે. જો કે, રામસર સાઈટ છારીઢંઢ નજીક જ પ્રવાસન અને ઇકોટુરીઝમ ઉપરાંત અહીં પશુપાલન, ગૌચર અને રેવેન્યૂ વિસ્તારમાં નિકંદનની ભીતિથી ફુલાય જૂથ ગ્ર્રામ પંચાયતમાં સમાવિષ્ટ ફુલાય, મોતીચુર, વેડહાર મોટી, છારી પૈયા, ગેચડો, તલ, લૈયારી, તલવાંઢ, અજોરિયા સહિત વિવિધ ગામના ગ્રામજનો દ્વારા આ સોલાર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યા છે. તલ લૈયારી ડેમને અસર પહોંચશે તાજેતરમાં છારીઢંઢ નજીક મંજૂર થયેલા તલ લૈયારી ડેમને પણ આ સોલાર પ્રોજેક્ટ થકી અસર પહોંચશે. અહીંના વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા આ ડેમ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ હતો. આ પ્રોજેક્ટનો વિરોધ પ્રબળ બન્યો છે.
Read Original Article →