નિયુક્તિના 21 દિવસ પછી હોદ્દેદારો નક્કી ન થતાં અનેક અટકળો:ભુજ પાલિકામાં વિવિધ સમિતિઓના ગઠનમાં વિલંબ સર્જાતા ચર્ચાઓ તેજ
ભુજ પાલિકામાં ગત 19 મેના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની વિધિવત વરણી કરાઈ હતી. જોકે, શાસક પક્ષ ભાજપ દ્વારા આ મહત્વના હોદ્દેદારોની નિમણૂક કર્યાને આજે 21 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, પાલિકાની અન્ય આંતરિક સમિતિના ગઠન મામલે હજુ પણ ઘેરી મૂંઝવણ જોવા મળી રહી છે. આ વિલંબ પાછળ સંગઠન અને ચૂંટાયેલા સભ્યોમાંથી કોને કઈ સમિતિ આપવી તે અંગે ચર્ચા થઈ રહી છે. ગત એપ્રિલ મહિનામાં મતદાન યોજાયું હતું, જેનું પરિણામ 28 એપ્રિલે જાહેર કરાયું હતું. પરિણામો બાદ લાંબી મથામણના અંતે 19 મેના ભાજપ મોવડીમંડળ દ્વારા પાલિકાના સર્વોચ્ચ પદો માટે નામો જાહેર કરાયા હતા. જેમાં પ્રમુખ તરીકે શીતલ શાહ સહિતના પાંચ આગેવાનોને સુકાન સોંપવામાં આવ્યું હતું. નિયમ મુજબ, આ વરણીના તુરંત બાદ શાસક પક્ષે વોટર સપ્લાય, બાંધકામ, સેનિટેશન, ડ્રેનેજ સહિતની સાત મુખ્ય શાખાઓના ચેરમેનો અને સભ્યો નક્કી કરવાના હોય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ ટિકિટ વિતરણ અને વોર્ડ પ્રમુખોની પસંદગી વખતે જે આંતરિક વિવાદો અને જૂથબંધી સપાટી પર આવ્યા હતા, તેની અસર હવે સમિતિઓની વરણી પર પડી રહી છે. નારાજ જૂથને સાચવવા કે સિનિયરોને મહત્વ આપવું તે અંગે સ્થાનિક નેતાગીરી કોઈ આખરી નિર્ણય પર પહોંચી શકી નથી. સમિતિઓની રચના ન થવાના કારણે પાલિકાની આંતરિક કામગીરી પર અસર પડી છે. અત્યારે બધો જ કાર્યભાર માત્ર પ્રમુખ અને કારોબારી ચેરમેનના માથે જ આવી પડ્યો છે. વોટર, ડ્રેનેજ અને બાંધકામ જેવી કમિટીનું મહત્વ
નગરપાલિકામાં વોટર સપ્લાય, ડ્રેનેજ અને બાંધકામ સમિતિ પાસે સૌથી વધુ બજેટ અને વિકાસકામોની સત્તા હોય છે. આ શાખાઓ સીધી જનતા અને મોટા કોન્ટ્રાક્ટરો સાથે જોડાયેલી હોવાથી, મોટાભાગના સભ્યો આ સમિતિઓના ચેરમેન બનવા માટે વધુ રસ દાખવતા હોય છે.
Read Original Article →