ધીરેન્દ્ર શાસ્ત્રીએ વર્ણવ્યો ભારત-પાક. બોર્ડરનો ચમત્કારનો કિસ્સો:પાકિસ્તાનમાંથી આવેલી હનુમાન દાદાની મૂર્તિ કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદે બની શ્રદ્ધાનું કેન્દ્ર: બાગેશ્વર બાબા
રાજકોટમાં આયોજિત કથા દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા એક પરમ ચમત્કારી હનુમાન મંદિરનો અદ્ભુત અને ઐતિહાસિક કિસ્સો ભક્તો સમક્ષ વર્ણવ્યો હતો. તેમણે વ્યાસપીઠ પરથી શ્રદ્ધાળુઓને જણાવ્યું કે, પોતાના કચ્છ પ્રવાસ દરમિયાન ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓના ખાસ આગ્રહથી તેઓ રણ સરહદ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભારતની સીમામાં સ્થાપિત અને સેનાની આસ્થાના કેન્દ્ર સમાન ‘ભેડિયા બેટ’ હનુમાનજીના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા અને આ મંદિરની સ્થાપના સાથે જોડાયેલી વિસ્મયજનક ઘટના જાણી હતી. કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ સેનાના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે, વર્ષો પહેલાં એક યુદ્ધ બાદ જ્યારે ભારતીય સેના પાકિસ્તાનની સરહદ અંદરથી વિજય મેળવીને સ્વદેશ પરત ફરી રહી હતી, ત્યારે એક અત્યંત ભાવુક અને અવાસ્તવિક ઘટના ઘટી હતી. રણ વિસ્તારમાંથી પસાર થતી વખતે એક દૈવી અને અદ્રશ્ય અવાજે સેનાના તત્કાલીન કર્નલને ચોંકાવી દીધા હતા. મૂર્તિમાંથી સ્પષ્ટ અવાજ આવ્યો હતો કે, “અમને અહીં પાકિસ્તાનમાં એકલા છોડીને ન જશો, અહીં પ્રકૃતિ અને વાતાવરણ બદલાતા મારી પવિત્રતા નહીં જળવાય અને પૂજા-અર્ચના પણ બંધ થઈ જશે.” આ અલૌકિક ચમત્કાર સાંભળીને સેનાના કડક અધિકારીઓની આંખોમાં પણ આસુ આવી ગયા હતા. આ હૃદયસ્પર્શી દૈવી આદેશ મળતાં જ સેનાના જવાનો અને અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે અત્યંત આદર અને ભક્તિભાવપૂર્વક હનુમાનજીની એ પવિત્ર મૂર્તિને ઊંટ પર સવાર કરાવીને સુરક્ષિત રીતે ભારતીય સીમાની અંદર કચ્છમાં લાવીને સ્થાપિત કરી હતી. આજે ‘ભેડિયા બેટ’ હનુમાનજી તરીકે ઓળખાતું આ મંદિર ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત જવાનો માટે રક્ષણ અને દેશવાસીઓ માટે પરમ શ્રદ્ધાનું પ્રતીક બની ગયું છે. મંદિરનું સંચાલન સંપૂર્ણપણે BSFના હાથમાં
આ ભારતની છેલ્લી ચોકીઓ પૈકીની એક હોવાથી, આ મંદિરની સંપૂર્ણ દેખરેખ, પૂજા-અર્ચના અને સવાર-સાંજની આરતી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો દ્વારા જ કરવામાં આવે છે. સરહદ પર તૈનાત જવાનો માટે ભેડિયા બેટના હનુમાનજી દાદા રક્ષક દેવ મનાય છે. થોડા વર્ષો અગાઉ ભુજ સ્વામિનારાયણ મંદિર અને વહીવટી તંત્રના સહયોગથી આ જગ્યાનો જીર્ણોદ્ધાર કરીને નવું ભવ્ય મંદિર પણ તૈયાર કરાયું છે. મંદિરે જવા માટે આ રીતે મેળવો ઓનલાઈન પરમીટ
ભેડિયા બેટ એ સામાન્ય પ્રવાસી સ્થળો જેવું નથી, કારણ કે તે ઇન્ડિયા બ્રિજ પાર કરીને આંતરરાષ્ટ્રીય સરહદની અંદર અંદાજે બોર્ડરથી ૩ કિમી પહેલાં આવેલું છે. અહીં જવા માટે સામાન્ય નાગરિકોએ પશ્ચિમ કચ્છ પોલીસના સત્તાવાર ઓનલાઇન પોર્ટલ (bhediyabet.com) પર જઈને એડવાન્સ પરમિટ મેળવવી ફરજિયાત છે. અરજી કરતી વખતે તમારો ફોટો, આધારકાર્ડ (આગળ-પાછળ), વાહનની આરસી બુક અને તમામ સહ-મુસાફરોની વિગતો અપલોડ કરવી પડે છે. મંજૂરી મળ્યા બાદ જ ‘ઇન્ડિયા બ્રિજ’ અને ‘ચીડિયામોડ’ ચેકપોસ્ટ પરથી એન્ટ્રી આપીને આગળ જવા દેવામાં આવે છે.
Read Original Article →