ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વિકાસ જરૂરી પણ કુદરતના ભોગે નહીં : 11 ગામોમાં રોષ
કચ્છનું નળસરોવર કહો કે પક્ષીઓનો ‘મિની કુંભ’ કહો, ધીણોધર ડુંગર પછવાળે નાની બન્નીને અડીને આવેલા અને દેશ-વિદેશથી આવતા પક્ષીઓનું ‘ઘર’ સાબિત થયેલા છારી ઢંઢ પક્ષી અભ્યારણ્યને અડીને જ અધધધ એવી 4500 એકર જમીન સોલાર પાવર પ્રોજેક્ટ માટે ફાળવી દેવાતા પ્રકૃત્તિના ઘર સમાન આખા વિસ્તારમાં અજંપો અને અરેરાટી સાથેનો વિરોધનો સૂર ઉઠ્યો છે. પશુ-પક્ષી અને પ્રકૃત્તિ સાથે જ જીવન જીવતા આ વિસ્તારનાં ગામોના માલધારીઓ, પ્રકૃત્તિ-પર્યાવરણ પ્રેમીઓ ‘અમારી કુદરત અમારી ઓળખ એ જ અમારી આવતીકાલ’ સૂત્ર સાથે વિરોધમાં ઉતરતા આવનારા સમયમાં સંઘર્ષ વધે તેવા એંધાણ મળી રહ્યા છે. ફૂલાય જૂથ ગ્રામ પંચાયત તથા તેમાં સમાવિષ્ટ ગામો ફૂલાય, મોતીચુર, વેડહાર મોટી, છારી, પૈયા, ગેચડો, તલ, લૈયારી, તલવાંઢ અને અજોરિયાવાંઢના રહેવાસીઓએ એક સંપ થઇને નિર્ણય કર્યો છે કે, આ વિસ્તારમાં એન.ટી.પી.સી. અંતર્ગત આવી રહેલ હિલ્ડ એનર્જી કંપનીનો શાંતિપૂર્વક તથા મક્કમપણે વિરોધ કરવો, કારણ કે આ કંપનીનું આગમન સમસ્ત વિસ્તારની અસ્મિતાને અભડાવે તેવી વકી છે. બે દિવસ અગાઉ ત્રણ જેસીબીએ કીરો ડુંગર આસપાસ કામ શરૂ કરતાં જ ગામ લોકોમાં જાગૃત્તિ આવી હતી અને રોષ વ્યાપ્યો હતો. આ 11 ગામોનો જ નહીં પણ છારીઢંઢ સંલગ્ન અનેક પ્રકૃત્તિ-પર્યાવરણપ્રેમી સંસ્થાઓ-વ્યક્તિઓ પણ આ લડતમાં જોડાઇ છે. ‘વિકાસ જરૂરી છે પણ કુદરતના ભોગે નહીં’ તેવી એક સરળ સમજ કેળવીને આ વિરોધાત્મક ઝુંબેશની શરૂઆત થઇ છે. સોલાર પ્રોજેક્ટથી ઇકોલોજીકલ સાથે જિયોલોજિકલ વિરાસતને પણ નુકસાન! : જો...જો.. બાળઊંટની આંગણવાડી ન છીનવાય! છારીઢંઢ વિસ્તારમાં સોલર પ્રોજેક્ટની સ્થાપના ભૂ-વૈજ્ઞાનિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ છે. અંદાજે 7.2 કરોડ વર્ષ પૂર્વે જ્વાળામુખી વિસ્ફોટથી બનેલો કિરો ડુંગર એ પૃથ્વીના પેટાળમાં રહેલા બેસાલ્ટ ખડકો અને અશ્મિઓનો જીવંત દસ્તાવેજ છે. જો અહીં સોલર પેનલ્સ માટે મોટા પાયે બાંધકામ કે ખોદકામ કરવામાં આવે, તો જમીનમાં 40 કિલોમીટર ઊંડેથી આવેલા ઓગાઇટ અને ઓલિવિન જેવા દુર્લભ ખનિજો ધરાવતી ભૂસ્તરીય સંરચનાને કાયમી નુકસાન પહોંચશે. આ એક એવી ‘જિયોસાઇટ’ છે જેનું રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક મહત્વ છે; ઉદ્યોગિકીકરણને કારણે આ સંશોધન ક્ષેત્ર હંમેશા માટે નષ્ટ થઈ શકે છે. સોલાર પ્રોજેક્ટના કારણે આ વિસ્તારના કુદરતી વાતાવરણમાં આવતો બદલાવ પક્ષીઓ અને વન્યજીવો માટે વિઘાતક બનશે. ખાસ કરીને, હજારો કિલોમીટર દૂરથી આવતા કુંજ સહીત અનેક શિયાળુ અને અત્યંત શરમાળ પક્ષીઓ માનવ દખલ અને સોલર પેનલ્સના કૃત્રિમ પ્રતિબિંબોને કારણે આ વિસ્તારનો ત્યાગ કરી શકે છે. સોલર પ્લાન્ટ માટે જરૂરી રસ્તાઓ અને વીજળીની લાઈનો નાખવાથી કિરો ડુંગરની પ્રાકૃતિક સુંદરતા હણાશે અને કચ્છના ઉદ્ભવ સાથે જોડાયેલી આ અમૂલ્ય વિરાસત ઉદ્યોગોના ધુમાડા અને કાચની પેનલો વચ્ચે દબાઈ જશે, જે વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સંરક્ષણની દ્રષ્ટિએ ભારે નકારાત્મક પગલું ગણાશે. મસ્કતી લટારો ક્યાં લટાર મારશે? જો છારીઢંઢ અને તેની આસપાસના રણદ્વીપ વિસ્તારમાં સોલર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે, તો તે મસ્કતી લટારો જેવા પ્રવાસી પક્ષીઓ માટે વિનાશક સાબિત થઈ શકે છે. સોલર પેનલ્સના જંગી બાંધકામથી પીલુના કુદરતી વૃક્ષો નષ્ટ થશે, જેના કારણે આ પક્ષીઓ તેમનો મુખ્ય ખોરાક અને આશ્રય ગુમાવશે. અત્યંત શરમાળ પ્રકૃતિ ધરાવતું આ પક્ષી માનવ દખલ કે ઔદ્યોગિક ગતિવિધિ સહન કરી શકતું નથી. પરિણામે, 3000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવતા આ દુર્લભ મહેમાનો કચ્છની ધરતી પર આવવાનું હંમેશા માટે બંધ કરી શકે છે. છારીઢંઢ રામસર સાઈટને અડીને નિર્માણાધીન સોલાર પ્રોજેક્ટનો વિરોધ ભલે થાય, પણ યાદ રાખજો છારીઢંઢ સંરક્ષણ ક્ષેત્ર પક્ષીઓના સ્વર્ગની સાથે ઊંટ પ્રજાતિના પ્રજનન અને બાળ ઉછેર માટેનું એક અત્યંત મહત્વનું કેન્દ્ર છે. ધ્યાન એ પણ દેવાનું છે કે વિકાસ ની દોટમાં બાળઊંટની આંગણવાડી ન છીનવાય. કચ્છી અને ખારાઈ જેવી મુખ્ય ઓલાદોના ઉછેર સાથે જોડાયેલા માલધારી પરિવારો દર શિયાળામાં અબડાસા, લખપત અને ભચાઉ જેવા વિસ્તારોમાંથી અંદાજે 1200 જેટલા ઊંટો સાથે અહીં સ્થળાંતર કરે છે. આ વિસ્તારમાં મળતો ખારી જાર, લોલર અને ખારિયું જેવો પૌષ્ટિક ઘાસચારો જન્મેલા બાળ ઊંટોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, જેના કારણે માલધારીઓ વર્ષોની પરંપરા મુજબ અહીં આવવાનું પસંદ કરે છે. છારીઢંઢની એક વિશિષ્ટતા એ પણ છે કે અહીંના ઊંટોમાં પોતાની જન્મભૂમિ પ્રત્યે અતૂટ બંધન જોવા મળે છે. તેઓ જે ક્લસ્ટર કે તળાવના વિસ્તારમાં ઉછરે છે, ત્યાંનું જ પાણી પીવાની જીદ રાખે છે અને અન્ય વિસ્તારોમાં ખલેલ પહોંચાડતા નથી. વિષમ તાપમાન વચ્ચે પણ અહીં વિશાળ જળસ્ત્રોત, વિપુલ ઘાસચારો અને શાંત વાતાવરણ ઉપલબ્ધ હોવાથી હજારો પક્ષીઓ અને ઊંટોનો સમુદાય એકસાથે વસવાટ કરે છે, જે કુદરતી સહ-અસ્તિત્વનું એક અજોડ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રકારના પ્રોજેક્ટ પશુપાલન માટે ઘાતક સાબિત થશે. કલરવને ઘોંઘાટમાં ન ફેરવો
છારીઢંઢ પક્ષી અભ્યારણ્યને તાજેતરમાં ‘રામસર’ સાઇટનો દરજ્જો અપાયો છે, સારા ચોમાસે અહીં વિપુલ માત્રામાં ભરાતા છીછરા પાણીના સરોવરમાં હજારો, લાખો કિ.મી.નો પ્રવાસ કરીને કુંજ, સુરખાબ, પેણ, બગલા, ચકલીઓ સહિતના દેશી-વિદેશી પક્ષીઓ આવે છે અને રણકાંધીનો આ સમસ્ત વિસ્તાર પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે છે. આ વિસ્તાર કચ્છના માલધારીઓના પ્રદેશ બન્ની અને નાની બન્નીને જોડતો ભૂ-ભાગ છે અને ગાય-ભેંસ, ઉંટ, ઘેટા-બકરાંનું ચરિયાણ લાખોની સંખ્યામાં છે. 11 ગામોને ડર છે કે, સોલાર કંપની અહીં અનર્થ સર્જશે અને પશુ-પક્ષીઓને ખલેખ પહોંચશે પરિણામે આ મહેમાનોનું આવાગમન બંધ થઇ જશે. કુંજ-સુરખાબ જેવા પક્ષીઓ પર આ વિસ્તારના લોકો સદીઓથી લોકગીતો ગાય છે એટલી હદે આ પક્ષીઓ લોકજીવન સાથે જોડાઇ ગયા છે. સોલાર કંપનીના વાહનો-મશીનરી-પવનચક્કીઓનો ઘોંઘાટ આ પ્રાકૃત્તિક જીવવૈવિધતા અને પર્યાવરણના ચક્રને વિચલીત કરશે તેવા ડરથી 11 ગામોએ એલાન કર્યું છે કે, હવે કોઇ એન.ઓ.સી. કે રજામંદી કંપનીને આપે નહીં, કોઇ લાભ લે નહીં, સર્વેમાં કોઇ સાથ સહકાર આપે નહીં, ગ્રા. પં. દ્વારા સજ્જડ વિરોધ કરાશે અને જરૂર પડ્યે ગાંધી ચિંધ્યા માર્ગે કાયદેસર કાનુની કાર્યવાહી કરીને કંપનીને અટકાવવાના પ્રયાસ થશે.
Read Original Article →