પાણી માટે રઝળપાટ:પાણી પૂરતું છતાં શહેર તરસ્યું ! ખામી વિતરણમાં

Gujarat5/14/2026, 1:55:34 AM
પાણી માટે રઝળપાટ:પાણી પૂરતું છતાં શહેર તરસ્યું ! ખામી વિતરણમાં
ભુજમાં પીવાના પાણીનું વિતરણ એ સરકારી વહીવટી પ્રક્રિયા નહીં પરંતુ કુશળ મેનેજમેન્ટની કામગીરી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સતત વસ્તી વધારો છતાં પાણી મુદ્દે મોટા મોરચા કે વિરોધ નોંધાયા નહોતા, પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ક્યાંક રોજ તો ક્યાંક સાત દિવસે મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ મુદ્દે કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવકોએ સુધરાઈ તંત્ર સમક્ષ સોમવારે જ ઉગ્ર રજૂઆત પણ કરી હતી. પાણી પુરવઠાના આંકડાઓ પર નજર કરીએ તો હાલ જીડબલ્યુઆઈએલ દ્વારા શહેરને દૈનિક અંદાજે 28 એમએલડી પાણી આપવામાં આવી રહ્યું છે, જ્યારે સુધરાઈના મુખ્ય અધિકારીના જણાવ્યા મુજબ આ જથ્થો 32 થી 35 એમએલડી હોવો જોઈએ. ઉપરાંત એરપોર્ટ રોડ પર આવેલા એર વાલ્વ મારફતે અંદાજે 15 એમએલડી પાણી મળતું હોવાનું માનીએ તો શહેરને કુલ સરેરાશ 42 એમએલડી એટલે કે આશરે 4.30 કરોડ લિટર પાણીનો દૈનિક પુરવઠો મળે છે. ભુજની વસ્તી મુજબ મહત્તમ જરૂરિયાત સાડા ચારથી પાંચ કરોડ લિટર જેટલી હોવી જોઈએ, પરંતુ વિતરણના આંકડા મુજબ 5.5 કરોડ લિટર થાય છે. એટલે પુરવઠો અને જરૂરિયાત વચ્ચે મોટો તફાવત દેખાતો નથી. છતાં પણ નાગરિકોને ત્રીજે દિવસે પાણી આપવાની સ્થિતિ સર્જાય છે, તે મોટો સવાલ છે. જો ત્રણ દિવસમાં મળતો કુલ પુરવઠો અંદાજે 130 એમએલડી સુધી પહોંચે છે તો દરરોજ વિતરણ ન થતું હોય છતાં બચતું પાણી ક્યાં જાય છે તે સવાલ છે. વિતરણમાં અનુભવનો અભાવ દેખાય તેવું એક પગલું એ પણ છે કે, મુખ્ય અધિકારીએ જીડબલ્યુઆઈએલને એર વાલ્વમાં 15 એમએલડીના બદલે માત્ર 10 એમએલડી પાણી આપવા ભલામણ કરી છે. જેના કારણે વોર્ડ નં. 1, 2, 3 તેમજ 7 અને 8ના કેટલાક વિસ્તારોમાં પાણીની અછત સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. કોડકી રોડ વિસ્તાર, પ્રભુનગર, પંકજનગર વિસ્તારની અનેક સોસાયટીઓમાં આગામી દિવસોમાં અનિયમિતતાની ફરિયાદો વધે તો નવાઈ નહીં. ભાસ્કર ઇનસાઇડ સંકલનની મિટિંગમાં ધારાસભ્યે પણ મુદ્દો ઉઠાવ્યો હતો ગત સંકલનની મિટિંગમાં ભુજની પાણી સમસ્યા અંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ઉનાળા દરમિયાન ખેંચ ઉભી ન થાય તે માટે યોગ્ય આયોજન થવું જોઈએ તેવી સૂચના આપી હતી. શહેરના પાણી નેટવર્કની સંપૂર્ણ સમજ ધરાવતા અનુભવી કર્મચારીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક ગ્રાઉન્ડ લેવલે કામગીરી થાય તો જ પાણી તંગી અટકાવી શકાય, નહીં તો ઉનાળો આગળ વધતા સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ નકારી શકાય તેમ નથી. 3 લાખથી વધુ વસતી ધરાવતા ભુજના દરેક નાગરિક સુધી પીવાનું પાણી આપવામાં બ્રાન્ચ હેડની મીટીંગો બોલાવવાથી નહીં વળે.
Read Original Article →