રજૂઆત:અમદાવાદ-મસ્કત સીધી ફ્લાઈટ શરૂ કરવા CM પાસે માંગ
અમદાવાદથી મસ્કત વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૂ કરવા મુદ્દે ગુજરાત સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ મળ્યાની માહિતી સામે આવી છે. મસ્કતમાં વસતા ગુજરાતી સમાજના પ્રતિનિધિમંડળે રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રતિનિધિમંડળે કોરોના બાદ અમદાવાદ-મસ્કત સીધી ફ્લાઈટ સેવા બંધ થતા ગુજરાતીઓ, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રજૂ કર્યું હતું. હાલ મુસાફરોને દુબઈ, અબુધાબી, મુંબઈ, ચેન્નાઈ અથવા હૈદરાબાદ મારફતે મુસાફરી કરવી પડે છે, જેના કારણે સમય તથા ખર્ચ બંનેમાં વધારો થાય છે. ખાસ કરીને ઈમર્જન્સી પરિસ્થિતિમાં દર્દીઓ, વૃદ્ધો તથા બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોને વધુ તકલીફ ભોગવવી પડતી હોવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો હતો. ઉપરાંત ભુજ-અમદાવાદ ફ્લાઈટ અને ભુજ એરપોર્ટ સંબંધિત પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળની રજૂઆત દરમિયાન રાજ્ય સરકાર તરફથી મુદ્દાઓને સહાનુભૂતિપૂર્વક સાંભળવામાં આવ્યા હતા અને અમદાવાદથી મસ્કત સીધી ફ્લાઈટ સેવા ફરી શરૂ કરવા માટે જરૂરી સ્તરે પ્રયાસ કરાશે તેવી ખાત્રી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ સેવા શરૂ થાય તો ઓમાનમાં વસતા હજારો ગુજરાતી પરિવારો તેમજ વેપારી વર્ગને મોટી રાહત મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →