ટાગોર રોડ પર ‘જોખમી કટ’:ક્રોસિંગના અભાવે વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો રોંગ સાઈડમાં ચાલવા મજબૂર બન્યા

Gujarat4/12/2026, 12:00:00 AM
ટાગોર રોડ પર ‘જોખમી કટ’:ક્રોસિંગના અભાવે વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો રોંગ સાઈડમાં ચાલવા મજબૂર બન્યા
ગાંધીધામ અને આદિપુર જોડિયા શહેરોની ‘લાઇફલાઇન’ ગણાતા ટાગોર રોડ પર હાલમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ગુરુકુલ ગેટથી ઇફકો ગેટ વચ્ચેના વિસ્તારમાં પ્રોપર કટ કે સર્વિસ રોડની કનેક્ટિવિટી ન હોવાથી સેંકડો વિદ્યાર્થીઓને રોંગ સાઈડમાં વાહનો ચલાવવાની મજબૂરી ઊભી થઈ છે. આ ગંભીર મુદ્દે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુનાણીને રજૂઆત કરી તાકીદે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે. ચેમ્બરના જણાવ્યા અનુસાર, ઓસ્લો રોડ પર ઓવરબ્રિજ બન્યા બાદ ટ્રાફિકની ગતિ વધી છે, પરંતુ ગુરુકુલ અને ઇફકો ગેટ વચ્ચે કોઈ સુરક્ષિત ક્રોસિંગ નથી. ઇફકો કોલોની અને આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકો સાયકલ કે રિક્ષા દ્વારા સ્કૂલે જાય ત્યારે તેમને લાંબો ફેરો ટાળવા અથવા ક્રોસિંગના અભાવે ફરજિયાત રોંગ સાઈડમાં જવું પડે છે. આ સ્થિતિ ગમે ત્યારે મોટા અકસ્માતને નોતરી શકે છે.ચેમ્બરે ગુરુકુલ ગેટ સામે આવેલી ડ્રેનેજ લાઇન પર કલવર્ટ બનાવી તેને સર્વિસ રોડ સાથે જોડવામાં આવે,સમગ્ર વિસ્તારને ‘સ્કૂલ ઝોન’ જાહેર કરી ત્યાં સ્પીડ બ્રેકર અને ઝેબ્રા ક્રોસિંગ મૂકવામાં આવે તેવી માંગ સાથે તંત્રને સમજવામાં સરળતા રહે તે માટે ચેમ્બર દ્વારા સ્થળ સ્થિતિનો નકશો પણ સોંપવામાં આવ્યો છે. અગાઉ પણ રજૂઆતો કરી છે, હવે પગલાં જરૂરી ચેમ્બરના માનદ્દ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું કે, અમે આ અગાઉ પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગને પણ લેખિત જાણ કરી છે. બાળકોની સુરક્ષાનો પ્રશ્ન હોવાથી મ્યુનિસિપલ તંત્ર આ બાબતે વિલંબ કર્યા વગર ડ્રેનેજ પર કલવર્ટ બનાવે તે અત્યંત અનિવાર્ય છે.વ્યસ્ત ટાગોર રોડ પર વાહનોની સ્પીડ વધુ હોય છે. ભૂતકાળમાં પણ આ પટ્ટામાં નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. જો સમયસર સર્વિસ રોડને જોડતો કલવર્ટ અને સુરક્ષિત ક્રોસિંગ નહીં બનાવાય, તો કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે.
Read Original Article →