પેન્શનર્સ ઓટલાના બેનરો હટાવવા લોકમાંગ:જાહેરાતો માટે ખીલા ખોડાતા ગઢરાંગની દીવાલોને નુકસાની

Gujarat6/8/2026, 12:40:56 AM
પેન્શનર્સ ઓટલાના બેનરો હટાવવા લોકમાંગ:જાહેરાતો માટે ખીલા ખોડાતા ગઢરાંગની દીવાલોને નુકસાની
શહેરના ઐતિહાસિક મહાદેવ ગેટ વિસ્તારનું ગઢરાંગ પર ભાસ્કરે રિયાલિટી ચેક કરતાં તેના પર 100 જેટલા ખિલાઓ નજરે પડે છે. જે દર્શાવે છેકે, વિસ્તારમાં થતાં કાર્યક્રમો વખતે લોકો ખીલા ખોડી બેનરો લગાડે છે પરંતુ બાદમાં બેનરો લાગ્યા રહે છે તો કયાંક બેનરો ઉતારી લેવાય છે. જે ખિલાઓ ખોડીયા છે તેની કોઈને ચિંતા નથી. પરિણામે ગઢરાંગના પથ્થરો ઢીલા પડવાની તેમજ દીવાલોમાં તિરાડો પડવાની ભીતિ ઊભી થઈ છે. 2001ના વિનાશક ભૂકંપ પછી જીર્ણોદ્ધાર કરાયેલા ભુજના ઐતિહાસિક મહાદેવ ગેટ વિસ્તારનું ગઢરાંગ, જે કચ્છના રાજશાહી ઇતિહાસની ઓળખ તરીકે જાણીતું છે. પેન્શન ઓટલા આસપાસના ભાગોમાં ત્યાં લોકો દ્વારા પોતાની જાહેરાતો, પોસ્ટરો અને બેનરો લગાવવા માટે ખીલા ખોડવામાં આવતા તેની દીવાલોને નુકસાન પહોંચી રહ્યું હોવાની લોક ચર્ચા છે. વારસાગત દ્રષ્ટિએ મહત્વ ધરાવતા આ સ્થળનો ઈતિહાસ કચ્છ રાજ્યકાળ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે, આ વિસ્તાર ક્યારેક કચ્છ રાજની ટંકશાળા તરીકે ઓળખાતો હતો, જ્યાં કચ્છ રાજ્યના સિક્કાઓનું છાપકામ થતું હતું. સ્થાનિકોમાં પણ આ મુદ્દે નારાજગી જોવા મળી છે. શહેરના યુવરાજભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, જે ગઢરાંગ 2001ના વિનાશક ભૂકંપમાં પણ સંપૂર્ણપણે ધરાશાયી થયું નહોતું, તેને હવે લોકોની બેદરકારી ધીમે-ધીમે ખોખલું બનાવે છે. આ ગઢરાંગની હાલત વારસાપ્રેમીઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિકોની માંગ છે કે, મહાદેવ ગેટ અને આસપાસના ગઢાણ પરથી જાહેરખબરો, પોસ્ટરો અને બેનરો તાત્કાલિક દૂર કરી દીવાલોને વધુ નુકસાનથી બચાવવા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે. ભૂકંપ બાદ રૂ. 7 લાખના ખર્ચે મહાદેવ ગેટનો જીર્ણોદ્ધાર ભુજના કિલ્લાનું સમારકામ મહારાવ દેશળજીએ વર્ષ 1719/1752માં કરાવ્યું હતું. આ કિલ્લાને કચ્છના વિવધ વિસ્તારોને ભુજને જોડતા પાંચ નાકા હતા. કચ્છમાં આવેલા 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપ વખતે મહાદેવ નાકાને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. બાદમાં આ ઐતિહાસિક નાકાના જીર્ણોદ્ધાર માટે આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની પ્રેરણાથી મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા રૂ. 7 લાખનું અનુદાન અપાયું હતું. જીર્ણોદ્ધાર પૂર્ણ થયા બાદ આ સ્થળને શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહાદેવ ગેટ તરીકે નામ અપાયું હતું.
Read Original Article →