લૂંટ:કેરા જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારને છરી બતાવી લૂંટ ચલાવાઇ

Gujarat4/13/2026, 1:48:35 AM
તાલુકાના વરલી ગામે રહેતા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેરા જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ મ્યાજરભાઈ બરાડીયા (આહિર)ને રસ્તામાં આંતરી, ત્રણ અજાણ્યા શખ્સોએ છરી બતાવી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. પધ્ધર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગોવિંદભાઈ ભુજથી ચૂંટણીલક્ષી જરૂરી દસ્તાવેજો લઈને પોતાની મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. ત્યારે હાજાપર અને થરાવડા ગામ વચ્ચે ગઢવીભાઈની વાડી પાસે સામેથી આવતી અલ્ટો કારના ચાલકે લાઈટ ડીપર મારી તેમને ઉભા રાખ્યા હતા. બાઈક ઉભી રહેતા કારમાંથી ત્રણ યુવાનો નીચે ઉતર્યા હતા. જેમાંથી એક શખ્સે બાઈકની ચાવી કાઢી લીધી હતી. બીજાએ શર્ટના ખિસ્સામાં રહેલો વીવો કંપનીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ત્રીજા શખ્સે છરી બતાવી ધમકાવ્યા હતા અને ખિસ્સા તપાસી તેમાં રહેલા ચૂંટણીના કાગળિયા લૂંટી લીધા હતા. ભોગ બનનારના જણાવ્યા અનુસાર, લૂંટ કરનારા ત્રણેય યુવાનો કચ્છી-ગુજરાતી મિશ્રિત બોલી બોલતા હતા. લૂંટ ચલાવ્યા બાદ તેઓ નંબર પ્લેટ વગરની અલ્ટો કારમાં બેસી થરાવડા તરફ ભાગી ગયા હતા. ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગોવિંદભાઈએ પધ્ધર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. એક રાજકીય અગ્રણી અને ઉમેદવાર સાથે બનેલી આ ઘટનાને પગલે પધ્ધર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →