ઔદ્યોગિક રોજગારીનું કેન્દ્ર બનશે કોલેજ:અંજારમાં ચાલુ વર્ષથી જ બજેટમાં મંજૂર થયેલી સરકારી પોલિટેકનિક કોલેજ શરૂ કરવાની કવાયત તેજ કરાઇ

Gujarat5/25/2026, 12:46:32 AM
ઔદ્યોગિક રોજગારીનું કેન્દ્ર બનશે કોલેજ:અંજારમાં ચાલુ વર્ષથી જ બજેટમાં મંજૂર થયેલી સરકારી પોલિટેકનિક કોલેજ શરૂ કરવાની કવાયત તેજ કરાઇ
રાજ્ય સરકાર દ્વારા ગત ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બજેટમાં અંજાર ખાતે નવી સરકારી પોલિટેકનિક કોલેજની દરખાસ્તને લીલીઝંડી અપાઈ હતી. આ મંજૂરી બાદ હવે નવા શૈક્ષણિક સત્રથી કોલેજ કાર્યરત થાય તે દિશામાં શિક્ષણ વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે. ભુજ બાદ કચ્છને આ બીજી સરકારી પોલિટેકનિક કોલેજ મળશે, જેનાથી પૂર્વ કચ્છના વિદ્યાર્થીઓને ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસ માટે અન્ય શહેરોમાં લાંબા થવું નહીં પડે. પોલીટેક્નિકને મંજૂરી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા આપવામાં આવે છે. હાલમાં નવા વર્ષ માટે મંજૂરી આપવાની વિન્ડો બંધ થઈ ગઈ છે. પરંતુ, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ ભલામણ સાથે દરખાસ્ત મોકલવામાં આવી છે. સમય ઓછો હોવાથી તંત્ર દ્વારા આ બાબતે ઝડપી મંજૂરી મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે. જો મંજૂરી મળી જાય તો આ વર્ષથી કૉલેજ શરૂ કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે આ નવી કોલેજમાં એક બ્રાન્ચની 60 મળી કુલ 5 બ્રાન્ચ માટે 300 બેઠકો મંજૂર કરાઈ છે. ઇન્ડસ્ટ્રીની વર્તમાન માંગને ધ્યાનમાં રાખીને અહીં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી), સિવિલ અને કેમિકલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેવી મુખ્ય શાખાનો સમાવેશ કરવામાં આવશે. હાલમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી અંજારના ધારાસભ્ય છે જો તેઓ ધારે તો કોલેજને મંજૂરી અપાવી સ્થાનિક વિદ્યાર્થીઓને ફાયદો કરાવી શકે તેમ છે. આ મુદ્દે તેઓનો ટેલીફોનીક સંપર્ક કરાયો પણ થઈ શક્યો નથી. જો બધું આયોજન મુજબ પાર પડશે, તો વિદ્યાર્થીઓને અંજારમાં પોલિટેક્નિકનો અભ્યાસ કરવાની તક મળશે. ઔદ્યોગિક રોજગારીનું કેન્દ્ર બનશે કોલેજ અંજાર, ગાંધીધામ, આદિપુર અને કંડલા પોર્ટ અને ભચાઉ સહિતનો વિસ્તાર ઔદ્યોગિક હબ છે. કચ્છમાં આવેલી બહુરાષ્ટ્રીય અને સ્થાનિક મોટી કંપનીઓમાં ટેકનિકલ કૌશલ્ય ધરાવતા ડિપ્લોમા એન્જિનિયર્સની ભારે માંગ રહે છે. ભુજ ખાતે આવેલી એકમાત્ર સરકારી પોલિટેકનિક કોલેજ જ્યાં સિવિલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને માઇનિંગ જેવી બ્રાન્ચ ચાલે છે તેમાંથી પાસ થતા મોટાભાગના વિદ્યાર્થીઓને કંપનીઓ કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા સીધી રોજગારી આપે છે, છતાં ઇન્ડસ્ટ્રીની માંગ મુજબ હજુ પણ કુશળ યુવાનોની જરૂરિયાત વધુ છે.અંજારમાં નવી કોલેજ શરૂ થવાથી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ પૂરી થશે અને સ્થાનિક યુવાનોને ઘરઆંગણે શિક્ષણ સાથે ઉજ્જવળ કારકિર્દીની તકો પ્રાપ્ત થશે. અંજારની શાળા નંબર 3 માં અભ્યાસ શરુ થશે નવી કોલેજ માટે જમીન ફાળવણી અને નિર્માણમાં સમય લાગી શકે તેમ છે. તેથી શૈક્ષણિક કાર્યમાં વિલંબ ન થાય તે માટે હાલ પૂરતું આ કોલેજને અંજારની પ્રાથમિક શાળા નંબર 3 ખાતેથી ચલાવવા અંગે વિચારણા ચાલી રહી હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું. જુલાઈમાં ચોઇસ ફિલિંગનો વિકલ્પ મળી જાય રાજ્યમાં ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓ આગામી 19 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ત્યારબાદ મેરિટ લિસ્ટ બનશે. અને જુલાઈ માસમાં કોલેજ પસંદગીની પ્રક્રિયા થશે. જેથી જો મંજૂરી સમયસર આવી જાય, તો વિદ્યાર્થીઓને ચોઈસ ફિલિંગમાં અંજાર કોલેજનો વિકલ્પ મળી શકશે. {ધો.10માં ઉત્તીર્ણ થયેલા 300 વિદ્યાર્થી કોમ્પ્યુટર, IT સહિતની 5 બ્રાન્ચમાં અભ્યાસ કરી શકશે નોલેજ
Read Original Article →