સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉમેદવારોમાં ઉત્સાહ:કચ્છમાં ચૂંટણીના અનુસંધાને પ્રથમ દિવસે 554 ઉમેદવારી ફોર્મ વિતરીત

Gujarat4/7/2026, 1:25:02 AM
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉમેદવારોમાં ઉત્સાહ:કચ્છમાં ચૂંટણીના અનુસંધાને પ્રથમ દિવસે 554 ઉમેદવારી ફોર્મ વિતરીત
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાનો પ્રથમ દિવસ રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યો હતો. તા. 6 એપ્રિલ 2026ના સોમવારે મહાનગરપાલિકા, 5નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત સ્તરે ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ થયું હતું, જેમાં રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ પ્રકાશિત થયેલી વિગત મુજબ ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી વધુ 208 ફોર્મનું વિતરણ થયું હતું. નગરપાલિકા સ્તરે ભુજમાં 33, અંજારમાં 44, માંડવીમાં 80, મુન્દ્રા-બારોઇમાં 61 અને નખત્રાણામાં 6 ફોર્મ વિતરણ થયા હતા. આ રીતે નગરપાલિકા સ્તરે કુલ 224 ફોર્મનું વિતરણ નોંધાયું હતું. જિલ્લા પંચાયત માટે 35 ફોર્મ આપવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત સ્તરે ભુજમાં 9, માંડવીમાં 4, મુન્દ્રામાં 2, અબડાસામાં 5, નખત્રાણામાં 11, અંજારમાં 29, ભચાઉમાં 1 અને રાપરમાં 26 ફોર્મ વિતરણ થયા હતા. લખપત તાલુકામાં એક પણ ફોર્મ વિતરિત થયું નથી. આમ તાલુકા પંચાયત સ્તરે કુલ 87 ફોર્મનું વિતરણ થયું હતું. આંકડાકીય રીતે જોવામાં આવે તો પ્રથમ દિવસે કુલ 554 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. જોકે નોંધનીય બાબત એ છે કે પ્રથમ દિવસે એકપણ ઉમેદવારે ફોર્મ ભરીને જમા કરાવ્યું નથી. આથી સ્પષ્ટ થાય છે કે રાજકીય પક્ષો હજુ ઉમેદવારોની પસંદગી અને યાદી બનાવવામાં વ્યસ્ત છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ આગામી દિવસોમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં તેજી આવશે અને ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. તારીખ 11 એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે.
Read Original Article →