કચ્છની કોલેજોના કેડેટ્સ રાષ્ટ્રીય સ્તરે મેળવી રહ્યા છે સિદ્ધિ:NCC : સરહદી કચ્છ જિલ્લાના યુવાનોને દેશસેવા તરફ દોરી રહેલી જીવંત પાઠશાળા

Gujarat5/25/2026, 12:23:42 AM
કચ્છની કોલેજોના કેડેટ્સ રાષ્ટ્રીય સ્તરે મેળવી રહ્યા છે સિદ્ધિ:NCC : સરહદી કચ્છ જિલ્લાના યુવાનોને દેશસેવા તરફ દોરી રહેલી જીવંત પાઠશાળા
NCC માત્ર કવાયત કે યુનિફોર્મ પૂરતું સીમિત નથી, પરંતુ તે યુવાનોને શિસ્તબદ્ધ, જવાબદાર અને દેશભક્ત નાગરિક તરીકે ઘડવાની જીવંત પાઠશાળા છે. કચ્છ જિલ્લાના યુવાનો માટે NCC દેશસેવા અને ઉજ્જવળ કારકિર્દીનો એક સશક્ત સેતુ બની ગયો છે. NCC નું મૂળભૂત સૂત્ર “એકતા અને શિસ્ત” છે. વિવિધ કેમ્પ અને પરેડ દ્વારા કેડેટ્સમાં નેતૃત્વ અને આત્મવિશ્વાસનું નિર્માણ થાય છે. સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ અને આપત્તિ વ્યવસ્થાપન જેવી પ્રવૃત્તિ થકી તેઓ સમાજ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રીય એકતાના પાઠ ભણે છે. ભુજની આર.આર. લાલન કોલેજ, કનકપર અને નખત્રાણાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, માંડવી એસવી કોલેજ, આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ અને કોમર્સ કોલેજ, મચ્છોયા આહીર સમાજ સંચાલિત કોલેજ, તેમજ ભચાઉ અને રાપરની કોલેજોના અનેક NCC કેડેટ્સ આજે ડિફેન્સ સેવામાં કાર્યરત છે. ભુજ સ્થિત 36 બટાલિયન દ્વારા યોજાતા વિવિધ કેમ્પ અને ટ્રેનિંગ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. શિસ્ત અને દેશસેવાનો ગૌરવપૂર્ણ માર્ગ છે NCC : ડૉ. મહેશ બારડ શેઠ એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના NCC ઓફિસર ડૉ. મહેશકુમાર બારડના જણાવ્યા અનુસાર, કોલેજમાં NCC માં જોડાયેલ કેડેટની ઓળખ હંમેશાં અન્ય વિદ્યાર્થીઓથી અલગ જ તરી આવે છે. જો યોગ્ય માર્ગદર્શન મળે તો ગામડાના અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ દેશની સેવા માટે શ્રેષ્ઠ પ્રદાન આપી શકે છે. શિસ્તબદ્ધ જીવન અને દેશસેવામાં યોગદાન આપવા માંગતા યુવાનો માટે NCC એ ગૌરવપૂર્ણ માર્ગ છે. ડિફેન્સમાં કારકિર્દી માટે NCC સર્ટિફિકેટ્સ દર વર્ષે જૂન-જુલાઈ મહિનામાં સ્કૂલ અને કોલેજમાં NCC માં પ્રવેશ માટે પસંદગી પ્રક્રિયા યોજાય છે. NCC માત્ર તાલીમ નથી, પરંતુ ભવિષ્ય માટેની તૈયારી છે. તેમાં અપાતા સર્ટિફિકેટ્સના અનેક લાભો આપે છે. A સર્ટિફિકેટ (સ્કૂલ લેવલ) : આ પ્રાથમિક પગથિયું છે, જે શિસ્ત અને દેશપ્રેમનો પાયો નાખે છે અને કોલેજમાં NCC માં જોડાવા માટે મદદરૂપ બને છે. B સર્ટિફિકેટ (કોલેજ લેવલ) : આ મધ્યમ સ્તરની તાલીમનો પુરાવો છે. આનાથી કેટલીક સરકારી નોકરીઓમાં બોનસ માર્ક્સ મળે છે અને C સર્ટિફિકેટ માટે પાત્રતા મળે છે. C સર્ટિફિકેટ (સફળતાનું શિખર) : આ સૌથી ઉચ્ચ પ્રમાણપત્ર છે. આ ધરાવતા કેડેટ્સને આર્મી, નેવી અને એરફોર્સમાં વિશેષ વેઇટેજ મળે છે. NCC સ્પેશિયલ એન્ટ્રી અંતર્ગત C સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો સીધું જ SSB ઇન્ટરવ્યુ આપી શકે છે. BSF અને CRPF માં પણ તેમને પ્રાધાન્ય અપાય છે. નેશનલ ડિફેન્સ એકેડમીમાં ફાયદો : NDA (નેશનલ ડિફેન્સ એકેડમી) માં સીધો ક્વોટા ન હોવા છતાં NCC તાલીમ લીધેલા યુવાનો શારીરિક અને માનસિક રીતે એટલા સજ્જ હોય છે કે તેઓ ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ સરળતાથી પાસ કરે છે. તેમનામાં Officer Like Qualities પહેલેથી વિકસી ચૂકી હોવાથી ઇન્ટરવ્યુમાં તેઓ પ્રભાવશાળી સાબિત થાય છે. માંડવીની શેઠ એસ.વી. કોલેજના 75થી વધુ કેડેટ્સ વિવિધ સુરક્ષાદળોમાં જોડાયા માંડવી સ્થિત શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ 2012થી NCC યુનિટ કાર્યરત છે. અત્યાર સુધીમાં આ કોલેજના કુલ 6 કેડેટ્સ (2 બહેનો અને 4 ભાઈઓ) દિલ્હીના પ્રતિષ્ઠિત RDC (પ્રજાસત્તાક દિનની પરેડ) સુધી પહોંચી ચૂક્યા છે. ઉપરાંત 75થી વધુ કેડેટ્સ કચ્છના અંતરિયાળ ગામડાઓમાં રહીને અભ્યાસ અને NCC ની તાલીમ દ્વારા આજે આર્મી, BSF, CRPF, પેરામિલિટરી દળો, અગ્નિવીર અને ગુજરાત પોલીસમાં જોડાઈને દેશની સેવા કરી રહ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતી અને કોલેજમાં અભ્યાસ કરતી મુસ્લિમ દીકરી હુંરબાઈ જુણેજાએ NCC ના માર્ગદર્શન થકી BSF માં નોકરી મેળવી છે. પોઝિટિવ મંડે
Read Original Article →