સસ્તા સોનાના નામે ઠગાઈ:ભુજના ઠગબાજોએ સસ્તા સોનાની લાલચે હવે રાજસ્થાનના વેપારીને 61 લાખનો ચુનો લગાવ્યો
શહેરના ચીટરોએ સસ્તા સોનાના નામે ઠગાઈ આચરવા દેશનો એકપણ ખુણો બાકી રાખ્યો નથી, તેવામાં રાજસ્થાનના વેપારીને બજારભાવ કરતા દસ ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપી રૂપિયા 61 લાખ પડાવ્યા બાદ દોઢ વર્ષ સુધી અલગ અલગ બહાનાઓ બનાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હીરાલાલ હપ્પારામજી ચૌધરીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ભુજના ગાંધીનગરીમાં રહેતા આરોપી રાહુલ સોની જેનું સાચુ નામ અલ્તાફ હુશેન જત અને હાજી વલીમામદ કકલ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 2024માં ફરિયાદીના દીકરાને ફેસબુક પર રાહુલ સોની નામની આઈડી દેખાઈ હતી જેમાં વિવિધ દેશના સોનાના બિસ્કીટ બાબતે વિગતો દેખાઈ હતી. જેથી આરોપીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદી વાતચીત કર્યા બાદ 14 ઓક્ટોબર 2024ના ભુજ આવ્યા હતા. ત્યારે આરોપીઓએ તેની સાથે મીટીંગ કરી રૂપિયા 7 લાખમાં 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ આપ્યું હતું. ફરિયાદી સોનાનુ બિસ્કીટ લઈને ચાલ્યા ગયા બાદ વધુ સોનુ ખરીદવા આરોપીને કહ્યું હતું અને આંગડીયા મારફતે 500 ગ્રામ સોના માટે રૂપિયા 34 લાખ મોકલાવ્યા હતા. જે બાદ આરોપીઓએ વધુ સોનુ ખરીદવાની લાલચ આપી બીજા 34 લાખ પડાવ્યા હત. પરંતુ ફરિયાદીને બિસ્કીટ ન મળતા તેઓ ભુજ આવ્યા હતા. ત્યારે આરોપીએ વિશ્વાસ કેળવવા 1 સોનાનુ બિસ્કીટ આપી અલગ અલગ બહાના બનાવી ફરિયાદી સાથે રૂપિયા 61 લાખની ઠગાઈ આચરી હતી.જે મામલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઠગાઈનો ભોગ બાદ પણ લાલચ-એલસીબીના ચોપડે ચીટરો અકબંધ
આરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ 75 લાખ લઇ લીધા બાદ વિશ્વાસ કેળવવા માટે રૂપિયા 14 લાખના 2 સોનાના બિસ્કીટ આપ્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ સુધી અલગ અલગ બહાના બતાવી રૂપિયા કે સોનુ આપ્યું ન હતું. આ દરમિયાન ફરિયાદી અન્ય એક ચીટર ગેંગના હાથે ઠગાઈનો ભોગ બન્યા હતા અને એ મામલે ફરિયાદ પણ કરેલી હતી. ત્યારે બન્ને આરોપીઓ બાબતે તપાસ કરતા કોઈ જાણકારી મળી ન હતી પરંતુ ત્યારબાદ આ બન્ને આરોપીના સાચા નામ જાણવા મળ્યા હતા અને એલસીબી કચેરીમાં તપાસ કરાવતા બન્ને ચીટરો ચોપડા પર ચડેલા દેખાયા હતા.
Read Original Article →