ભાસ્કર એક્સક્લુસિવ:ભુજ RTOની વાર્ષિક આવક 183 કરોડને પાર, GJ 12ની નંબર પ્લેટ સાથે 46,051 નવા વાહનો માર્ગો પર દોડયા
કચ્છના પાટનગર ભુજની આરટીઓ કચેરી માટે ગત નાણાકીય વર્ષ આવકની દ્રષ્ટિએ અત્યંત ફળદાયી રહ્યું છે. કચેરીને નવા વાહનોની નોંધણી પેટે 174.61 કરોડ, લાઇસન્સની ફી પેટે 4.15 કરોડ અને એન્ફોર્સમેન્ટની કામગીરીમાં 4.58 કરોડ મળી કુલ વાર્ષિક આવક 183.34 કરોડને પાર કરી ગઈ છે. નવા વાહનોની નોંધણી અને ડ્રાઇવિંગ લાયસન્સની ફી પેટે મળતી આવકમાં ગત વર્ષની તુલનાએ વધારો નોંધાયો છે, જે કચ્છમાં વધતી જતી વાહનોની સંખ્યા અને આર્થિક સમૃદ્ધિનો પુરાવો આપે છે. ભુજ આરટીઓ અધિકારી પાર્થ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2025-26માં માત્ર વાહનોની નોંધણી અને લાયસન્સ ફી દ્વારા કુલ 1,78,76,50,106 ની આવક થઈ છે. જે ગત વર્ષ 2024-25ની 1,76,13,03,943 ની આવકની સરખામણીએ નોંધપાત્ર વધારો સૂચવે છે. આ સિવાય નિયમ ભંગ કરનારા વાહનચાલકો પાસેથી નાણાંકીય વર્ષ 2025-26માં 4.58 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. પસંદગીના નંબર સહિતની આવક અલગ છે. ખાસ કરીને લાયસન્સ પેટે થતી આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે 3.22 કરોડથી વધીને 4.15 કરોડ સુધી પહોંચી છે. નાણાંકીય વર્ષ 2025-26 દરમ્યાન 29,982 નવા મોપેડ, 10,388 નવી કાર સહિત કુલ 46,051 વાહનો નોંધાયા છે. આંકડા દર્શાવે છે કે, કચ્છમાં દ્વિચક્રી વાહનો બાદ લક્ઝરી અને પેસેન્જર કારનો વપરાશ પણ ઝડપથી વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરટીઓને મોટાભાગે નવા વાહનોના ટેકસની આવક હોય છે એ સિવાય વાહનો ડિટેઇન કરવામાં આવે તેનો દંડ, ઇ- ચલણ, લાયસન્સ અને વાહન સંબધિત કામગીરી, ઓવરલોડ સહિતના પેટે દંડ વસૂલવામાં આવે છે. આરટીઓ વિભાગની મોટાભાગની સેવાઓ હવે ઓનલાઇન થઈ ચૂકી છે. કેટેગરી વાઈઝ વાહનોની વિગત 7 વર્ષમાં 1740 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવાયા
છેલ્લા 7 વર્ષમાં ભુજ આરટીઓ કચેરીએ 1740 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે જેમાં વર્ષ 2019-20માં 260.22 કરોડ, 2020-21માં 212.83 કરોડ, 2021-22માં 279 કરોડ, 2022-23માં 369 કરોડની આવક થઈ હતી. કોરોના બાદ આ વર્ષમાં કામગીરીએ વેગ પકડ્યો હતો. જોકે વર્ષ 23-24માં 4 મહિના પછી બાદ ભુજ અને અંજાર આરટીઓ બે અલગ અલગ કચેરી થતા 2023-24માં 254.43 કરોડ, 2024-25માં 186.53 કરોડ અને 2025-26માં 183 કરોડથી વધારે આવક થઈ છે. 27 હજાર લોકોએ લર્નિંગ અને 13 હજાર અરજદારોએ પાકા લાયસન્સ મેળવ્યા
પશ્ચિમ કચ્છમાં માત્ર વાહનો જ નહીં, પરંતુ લાયસન્સ કઢાવવામાં પણ લોકો જાગૃત બન્યા છે. વર્ષ દરમિયાન કુલ 27,132 નવા લર્નિંગ લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે.જ્યારે 13,034 અરજદારોએ પાકા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સની ફી પેટે વર્ષમાં 41,500,000ની આવક થઈ છે જ્યારે ગત વર્ષ 2024-25માં કુલ 32,200,000ની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છ સહિત રાજ્યની આરટીઓમાં હવે એઆઇ આધારીત પરીક્ષા લેવામાં આવશે.
Read Original Article →