સાઇબર ઠગાઈ:ભુજ સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના બહાને છેતરાયેલી વૃદ્ધાને 46.95 લાખ પરત અપાવ્યા

Gujarat5/14/2026, 1:56:09 AM
સાઇબર ઠગાઈ:ભુજ સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના બહાને છેતરાયેલી વૃદ્ધાને 46.95 લાખ પરત અપાવ્યા
સાયબર ઠગો દ્વારા ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધાને ડરાવી-ધમકાવીને પડાવેલા લાખો રૂપિયામાંથી ભુજ સાયબર ક્રાઈમ દ્વારા 46,95,917 જેટલી માતબર રકમ ફરિયાદીના ખાતામાં પરત જમા કરાવાઈ છે. ઘટનાની વિગતો મુજબ, સાયબર ઠગોએ એક વૃદ્ધાને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી અને TRAI ડિપાર્ટમેન્ટના કર્મચારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી હતી. ઠગોએ વૃદ્ધાને એવું કહીને ડરાવી દીધી હતી કે તેમના નામે ગેરકાયદે સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે, જેના દ્વારા મની લોન્ડરિંગના ગુના થયા છે. આટલું જ નહીં, આરોપીઓએ વિશ્વાસ જીતવા માટે સુપ્રીમ કોર્ટના સિક્કાવાળા નકલી વોરંટ અને કોર્ટના હુકમો પણ મોકલી આપ્યા હતા. વૃદ્ધાને સતત વીડિયો કોલ પર રાખીને ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા હતા અને પોલીસ તપાસના બહાને માનસિક ત્રાસ આપી કુલ રૂ. 83,44,047 પડાવી લેવામાં આવ્યા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા ફરિયાદીએ ભુજ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સરહદી રેન્જના આઈજીપી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા ટેકનિકલ એનાલિસિસને આધારે ઠગાઈમાં ગયેલી રકમમાંથી આશરે 47 લાખ રૂપિયા સફળતાપૂર્વક ફ્રીઝ કરાવી પરત મેળવવામાં આવ્યા છે. આ કેસમાં વધુ તપાસ હાલ ચાલુ છે. સાયબર પોલીસની અપીલ : ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી આ કિસ્સા બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ કાયદામાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ જોગવાઈ નથી. આ માત્ર લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાની સાયબર ઠગોની એક ચાલ છે. જો કોઈ અજાણ્યો વ્યક્તિ પોલીસના નામે વોટ્સએપ કે વીડિયો કોલ કરીને તમને ધમકાવે, તો ગભરાયા વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા સાયબર હેલ્પલાઇનનો ઉપયોગ કરવો જોઈએ.
Read Original Article →