મામાદેવ મંદિરે ગૌશાળા લાભાર્થે કથામાં શ્રાવકો ઉમટ્યા:સંસારમાં કોઈપણ વસ્તુ કે મુકામ મેળવવો હોય તો એના માટે સખત પરિશ્રમ કરવો જ પડે
રાપર તાલુકાના ચિત્રોડ ખાતે ધોરીમાર્ગ સ્થિત મામાદેવ મંદિરે વિરામ મામા ગૌશાળાના લાભાર્થે ધાર્મિક અવસર યોજાયો છે. જેમાં વ્યાસપીઠ પરથી રાધેકૃષ્ણ બાપુએ રામદેવ માનસ ભક્તિ કથાથી દ્વિતીય દિવસે શ્રોતાઓને ભાવવિભોર બનાવ્યા હતા. બાપુએ હરિકથા જીવને શાંતિ અને સુખ આપે છે, કથા એ પાવન ગંગાની ધારા છે તેમ જણાવી બીજ ધર્મનો મહિમા સમજાવ્યો હતો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પાંચ તત્વોનું શરીર બન્યું છે, જેમાં બીજ એ જ આત્મા અને પરમાત્મા છે જેને સાચા અર્થમાં ઓળખવાની ખૂબ જરૂર છે. સંસારમાં કોઈપણ વસ્તુ કે મુકામ મેળવવો હોય તો આપણે એના માટે સખત પરિશ્રમ કરવો જ પડે છે પરંતુ સંસારના તમામ કાર્યો સિદ્ધ થઈ જાય અને બધું જ મળી જાય, છતાં જો આ જીવે પોતાના આત્માના કલ્યાણ માટે કંઈ ના કર્યું તો પછી જીવનમાં શું કર્યું કહેવાય? બાપુએ સતી તોરલ અને જેસલ જાડેજાના પ્રસંગની યાદ અપાવતા દ્રષ્ટાંત આપ્યું હતું કે, સતી તોરલે તોરલ-જેસલ સંવાદમાં જાડેજાને કહ્યું હતું કે આપણે સાચી કમાણી કરવી જ પડે, અને એ કમાણી એટલે સંસારની માયા નહિ પરંતુ આ લોક અને પરલોક સુધારે તેવી પરમાત્માના રામનામની કમાણી છે. બાપુએ ધર્મસત્તા અને રાજસત્તાના સમન્વય વિશે જણાવ્યું કે, ધર્મની પીઠ ઉપર બેઠેલી વ્યક્તિ સદાય સ્વતંત્ર હોય છે, છતાં રાજસત્તા અને ધર્મસત્તાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એકબીજાની પાસે જવું પડે છે. બાપુએ અનેક પ્રેરણાદાયી ઉદાહરણો, ભજનો અને આધ્યાત્મિક ગુહ્ય વાતો ટાંકીને હરિભક્તોને બીજ ધર્મનો ગૂઢ મહિમા અને આત્મકલ્યાણનો માર્ગ સમજાવ્યો હતો.
Read Original Article →