ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં અંદાજે 2 લાખ ભૂલકાઓ વાર્ષિક કસોટી આપશે
બોર્ડ પરીક્ષા પુર્ણ થઈ અને યુનિવર્સિટી - કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે આ સાથે આજથી હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. 6 થી 11 એપ્રિલ દરમ્યાન ધો.3 થી 5 અને તા 13 થી 22 એપ્રિલ દરમિયાન ધો.6 થી 8માં કસોટી લેવાશે. કચ્છ જિલ્લામાં 1667 સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી મળી અંદાજે 2500 શાળામાં અભ્યાસ કરતા ધો.3 થી 8 ના 2 લાખ ભૂલકાઓ આજથી શરૂ થતી વાર્ષિક કસોટી આપશે. આજથી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો આરંભ થશે. જેમાં પ્રથમ તબક્કામાં આજે 6 એપ્રિલ સોમવારે ધો.3થી 5માં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષાના પેપર લેવાશે. ધોરણ 3 થી 5માં 6 એપ્રિલે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, 7 એપ્રિલે ગણિત અને 8 એપ્રિલે પર્યાવરણ, 9 એપ્રિલે હિન્દી, 10 એપ્રિલ અને 11 એપ્રિલે અનુક્રમે અંગ્રેજી, મરાઠી, તેલુગુ સહિતની ભાષાઓના પ્રશ્નપત્ર લેવાશે.કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. ધોરણ -3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ-5થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે તે શાળા કક્ષાએ જ કરવાની રહેશે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે રાજ્ય કક્ષાએથી પ્રશ્નપત્ર તૈયાર કરીને આપવામાં આવશે.જ્યારે ખાનગી સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરીને પરીક્ષાનું આયોજન કરશે. જોકે, ખાનગી સ્કૂલોએ પણ સમાન સમય પત્રકનું પાલન કરવાનું રહેશે. બીજા તબક્કામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 13 એપ્રિલથી પરીક્ષાનો આરંભ થશે. જેમાં પ્રથમ દિવસે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, 15 એપ્રિલે ગણિત, 16 એપ્રિલે હિન્દી પ્રથમ અને દ્વિતીય ભાષા, 17 એપ્રિલે વિજ્ઞાન, 18 એપ્રિલે અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા, 20 એપ્રિલે સામાજિક વિજ્ઞાન, 21 એપ્રિલે સંસ્કૃત તેમજ 22મી એપ્રિલને બુધવારે તેલુગુ, મરાઠી, તમિલ, ઉર્દુ, જેવી પ્રથમ ભાષાના પ્રશ્નપત્રો લેવાશે. ધોરણ 6 થી 8 માં પરીક્ષાનો સમય સવારે 8 થી 11 અને પ્રશ્નપત્રમાં કુલ 80 ગુણ હશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-5 અને 8માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 3 માસ અભ્યાસ કરાવ્યા બાદ તેમની પુનઃ પરીક્ષા લેવામાં આવશે. જો પુનઃ પરીક્ષામાં તેઓ પાસ થાય તો તેમને ઉપલા ધોરણમાં પ્રવેશ ફાળવવાનો રહેશે તેમ શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે. અગાઉ બંને પરીક્ષા ભેગી લેવાતી, આ વખતે અલગ અલગ આયોજનથી સરળતા થઈ
સામાન્ય રીતે ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરીક્ષા દર વખતે એકસાથે લેવામાં આવે છે.પરંતુ આ વખતે આ કસોટી બે તબક્કામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ 3 થી 5 અને આ પરીક્ષા પૂર્ણ થયા બાદ દ્વિતીય તબક્કામાં ધોરણ 6 થી 8 ની પરીક્ષા લેવામાં આવશે.જેથી વહીવટી દ્રષ્ટિએ પણ વધુ સરળતા થશે.
Read Original Article →