માધાપરમાં ‘હિન્દુ સંમેલન’:સંગઠિત સમાજ સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે

Gujarat4/7/2026, 1:30:16 AM
માધાપરમાં ‘હિન્દુ સંમેલન’:સંગઠિત સમાજ સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે માધાપર જુનાવાસના ગાયત્રી ચોક ખાતે ‘ગાયત્રી વસ્તી’ દ્વારા વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સામાજિક સમરસતા, સંસ્કાર અને રાષ્ટ્રચેતનાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આશીર્વચન પાઠવતા આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજના સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, સામાજિક સમરસતા અને ક્ષમતા જ વર્તમાન સમયનો મહાન યુગધર્મ છે. સંગઠિત હિન્દુ સમાજ જ સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. માધાપરના કથા વક્તા શાસ્ત્રી ભાવેશભાઈ જોષીએ રાષ્ટ્રભક્તિ અને શાસ્ત્રોક્ત જીવનશૈલી સાથે આધુનિક સમયની માંગ મુદ્દે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. વિશેષ વક્તા તરીકે સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન કેન્દ્રના સંયોજિકા માધવીબેન શાહએ નારી શક્તિ અને મહિલાઓની ભૂમિકા મુદ્દે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય વક્તા સંસ્કૃત ભારતી-સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યાલય પ્રમુખ અનિરુદ્ધસિંહ જાડેજાએ હિન્દુ સંસ્કૃતિ અને સ્વાભિમાન પર વિશેષ ભાર મૂક્યો હતો. સંમેલનનું મુખ્ય આકર્ષણ શિશુઓ અને દીકરીઓ દ્વારા રજૂ કરાયેલું શૌર્ય પ્રદર્શન હતું. બાળકો અને યુવતીઓએ તલવારબાજી અને લાઠીદાવના કરતબો બતાવ્યા હતા. આ સંમેલનમાં માધાપરના વિવિધ સામાજિક અગ્રણીઓ તેમજ ગાયત્રી વસ્તીમાં સમાવિષ્ટ સોસાયટીઓના 700 ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ગાયત્રી વસ્તી હિન્દૂ સંમેલન સમિતિ માધાપરના અધ્યક્ષ દીપક ડાંગર અને અમિત ગઢવીના માર્ગદર્શનમાં આયોજન સમિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં, જનમેદનીએ સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. સંચાલન ડો. કિશાન આર્ય અને આભારવિધિ દિનેશ ગજ્જરે કરી હતી.
Read Original Article →