જડબેસલાક આયોજન:ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારોએ કાર્યકરો સાથે ઉત્સાહપૂર્વક દાવા રજૂ કર્યા

Gujarat4/12/2026, 12:00:00 AM
જડબેસલાક આયોજન:ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારોએ કાર્યકરો સાથે ઉત્સાહપૂર્વક દાવા રજૂ કર્યા
ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે ઉમેદવારોની યાદી બહાર પાડતાની સાથે જ સમગ્ર જીલ્લા ભાજપ સંગઠન કામે લાગી ગયું હતું જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં જિલ્લા ભાજપના હોદેદારો, તમામ મંડળના આગેવાનો તેમજ ભાજપ લીગલ ટીમ સહિત કાર્યકરોએ સંગઠન શક્તિ દર્શાવીને તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડીને મેન્ડેટ પહોંચાડવા સુધીની વ્યવસ્થા અને તૈયારીઓ મોડી રાત સુધીમાં સુપેરે પાર પડે તે રીતનું જડબેસલાક આયોજન કરી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફોર્મ ભરવાના દિવસે દરેક મંડળોમાં જિલ્લા આગેવાનો, પ્રભારીઓ જે તે મંડલોમાં જઈને ઉમેદવારોના ફોર્મ રજૂ કરતી વખતે સાથે રહ્યા હતા અને પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધાર્યો હતો. વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં આજે ભાજપના ઘણા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. માંડવી તાલુકા પંચાયતમાં એક બેઠક, ભુજ નગરપાલિકામાં પાંચ બેઠક, અંજાર નગરપાલિકામાં બે બેઠક, નખત્રાણા નગરપાલિકામાં બે બેઠક અત્યાર સુધી બિનહરીફ થઈ ચુકી હોવાથી વિરોધી છાવણીમાં ચૂનાવી જંગ પહેલાં જ સોંપો પડી ગયો છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતું કે યાદી બહાર પડ્યા બાદ ગણતરીના કલાકોમાં તમામ આગેવાનો કાર્યકરોએ સાથે મળીને સંગઠન શક્તિની તાકત દર્શાવીને જરૂરી તમામ પ્રક્રિયાઓ સુપેરે પાર પાડી છે. આગામી દિવસોમાં આ જ સંગઠન શક્તિના ભરોસે જ જિલ્લા પંચાયત તેમજ તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય ઐતિહાસિક વિજય થશે એવો દાવો કર્યો હતો. જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઇ જોધાણી સહિત જિલ્લા ભાજપ હોદ્દેદારો અને સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ ટીમ વિજય માટે તત્પર હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.
Read Original Article →