સમસ્યા:ડીઝલ બાદ ડીએપી ખાતરમાં પણ નો ‘સ્ટોક’
કચ્છના ખેડૂતો માટે છેલ્લા છ મહિના જાણે મુશ્કેલીઓની વણઝાર લઈને આવ્યા છે. એકતરફ છેલ્લા છ માસમાં ત્રણ-ત્રણ વખત થયેલા માવઠાએ ખેતીના પાકને પાયમાલ કરી દીધો છે, ત્યાં બીજી તરફ હવે ખેતીના ખર્ચમાં કમરતોડ વધારો ઝીંકાયો છે. સરકાર દ્વારા ખાતરના ભાવમાં સીધો 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો આ અંગે કચ્છ જિલ્લા વિસ્તરણ અધિકારી પી.કે પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમને ભાવ અંગે અજાણતા વ્યક્ત કરી હતી. સાથે જ હાલમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે કચ્છ જ નહી પણ દેશમાં ડીએપીની અછત સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. દેશમાં 80થી 90 ડીએપી ઈમ્પોર્ટ થતો હોવાથી હાલ ખાતર મેળવવા માટે મુશ્કેલી ઉભી થઇ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા એક જ માસમાં 50 કિલો ડીએપી 700 અને એએસપી ખાતરમાં 750 રૂપિયાનો વધારો થયો છે. જે ડીએપી ખાતર 1200થી 1250 રૂપિયામાં મળતો હતો તેના ભાવ હવે 2000ની આસપાસ પહોચી ગયા છે, જયારે એએસપી ખાતરના ભાવ 1300થી 1350 હતો તેના ભાવ 2100ને આંબી ગયા છે. છતાં વિસ્તરણ અધિકારી ભાવ વધારાથી વાતથી અજાણ હોય તે નવાઈની વાત છે. તો અંગે ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગલે જણાવ્યું હતું કે ખેતી હવે સામાન્ય માણસ માટે પરવડે તેમ નથી. ખેડૂતો માટે અત્યારે ‘’મોંઘું તો મોંઘું પણ ખાતર મળે તો સારું’’ જેવી સ્થિતિ સર્જાઈ છે. 15 દિવસ બાદ ખાતરની મુશ્કેલી વધશે હાલ સીઝન ન હોવા છતાં DAP ખાતરની ભારે અછત વર્તાઈ રહી છે. આગામી 15 દિવસમાં જ્યારે નવા પાકની વાવણી શરૂ થશે, ત્યારે ખાતરની જરૂરિયાત ટોચ પર હશે, પરંતુ હાલમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. આગામી 15 દિવસ બાદ જયારે ખેડૂતો વાવણી શરૂ કરશે ત્યારે માંગમાં મોટો વધારો થશે. સરકાર દ્વારા ખાતરના ભાવમાં રાહત કે પૂરતો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે, તો આગામી સીઝન ખેડૂતો માટે આર્થિક રીતે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ માંડવીમાં આ અંગે કિસાન સંઘ દ્વારા આ મામલે આવેદનપત્ર આપીને રજૂઆતો પણ કરવામાં આવી છે. કુદરતી આફતો અને આર્થિક નીતિઓ વચ્ચે ભીંસાતો કચ્છનો ખેડૂત હવે પાયમાલીના આરે આવીને ઊભો છે. સરકારના આવક બમણી કરવાના દાવા સામે અત્યારે ખેડૂતોની મુશ્કેલી બમણી થઈ ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખેડૂતો ચારેતરફથી આર્થિક ભીંસ બિયારણ: તમામ પ્રકારના બિયારણોના ભાવમાં ઉછાળો જંતુનાશક દવાઓ: ખેતી બચાવવા માટેની દવાઓ પણ મોંઘી થઈ મજૂરી ખર્ચ: ખેત મજૂરોની અછત, વધતા વેતનને કારણે ખર્ચ વધ્યો. ઉત્પાદનમાં ઘટાડો: કમોસમી વરસાદને કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા અને પાકની ગુણવત્તા પર માઠી અસર પડી છે
Read Original Article →