અકસ્માતની ભીતિ‎:ભુજ-માંડવી હાઈવે પર નારાણપરના ત્રણ રસ્તા પર અકસ્માત ઝોન, સ્પીડ બ્રેકર જરૂરી બન્યા

Gujarat5/13/2026, 12:00:00 AM
અકસ્માતની ભીતિ‎:ભુજ-માંડવી હાઈવે પર નારાણપરના ત્રણ રસ્તા પર અકસ્માત ઝોન, સ્પીડ બ્રેકર જરૂરી બન્યા
ભુજથી માંડવી તરફ જતો મુખ્ય હાઈવે હવે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. માંડવી-ભુજ રોડ પર આવેલા નારાણપર ત્રણ રસ્તા પાસે બે દિવસ પૂર્વે જ એક પેટ્રોલ પંપ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક 19 વર્ષીય માસૂમ યુવતીએ પોતાની જિંદગી ગુમાવી છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ જગાડ્યો છે અને હાઈવે પર સુરક્ષાના સાધનોના અભાવ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. નારાણપરના આ વ્યસ્ત ત્રણ રસ્તા પર હાલમાં કોઈ પણ પ્રકારના સ્પીડ બ્રેકર કે સર્કલ નથી. હાઈવે હોવાના કારણે વાહનો અહીં અતિશય ગતિમાં પસાર થાય છે. ભુજ-માંડવી તરફથી આવતા વાહનો અને નારાણપર ગામ તરફથી હાઈવે પર ચડતા વાહનો વચ્ચે અવારનવાર સામસામે આવી જાય છે. જો તાત્કાલિક ધોરણે અહીં ગતિ મર્યાદા જાળવવા માટે સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે, તો હજુ પણ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા આ જોખમી ત્રણ રસ્તા પર તાત્કાલિક સર્કલ બનાવવામાં આવે અથવા વૈજ્ઞાનિક ઢબે સ્પીડ બ્રેકર લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ, આર.ટી.ઓ (RTO) અને પોલીસ વિભાગ દ્વારા ઓવરસ્પીડ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે. નિયમ વિરુદ્ધ દોડતા તોતિંગ વાહનો સ્થાનિકોની મુખ્ય ફરિયાદ એ છે કે, આ માર્ગ પરથી પવનચક્કીના વિરાટ પાર્ટ્સ લઈને પસાર થતા ભારે વાહનો માટે રાત્રે 11 થી સવારે 6 વાગ્યાનો સમય નિર્ધારિત કરાયો છે. તેમ છતાં, આ તોતિંગ વાહનો રાત્રે 10 વાગ્યાથી જ માર્ગો પર કબજો જમાવી લે છે. આ સિવાય અન્ય ટ્રેલરો અને ભારે વાહનો પણ નિર્ધારિત ગતિ મર્યાદા કરતા વધુ સ્પીડમાં દોડતા હોવાનું સામે આવ્યું છે.
Read Original Article →