ફસાયેલું વાહન કાઢતાં અકસ્માત સર્જાયો:મદદ માટે ગયો ને જીવ ગુમાવ્યો: ખાવડામાં બે વાહનો વચ્ચે દબાતા યુવાનનું કરૂણ મોત
ખાવડા નજીક અદાણીના મુખ્ય ગેટ પાસે શનિવારે રાત્રે સર્જાયેલા કરુણ બનાવમાં 19 વર્ષીય યુવાનનું મોત નીપજતાં શોકની લાગણી ફેલાઈ છે. હોસ્પિટલ ચોકી અને ખાવડા પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મૃતક 19 વર્ષીય સૌરભરાજ મૂળ હિમાચલ પ્રદેશનો રહેવાસી હતો. સૌરભરાજ એક ડ્રાઇવર સાથે ખાવડાના સોલાર પાર્ક વિસ્તારમાં માલસામાન ખાલી કરવા આવ્યો હતો. માલ ઉતાર્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે અદાણીના મુખ્ય ગેટ નજીક એક વાહન ઢાળ ચડતી વખતે બંધ પડી જતાં તે માર્ગમાં ફસાઈ ગયું હતું. વાહનને બહાર કાઢવા માટે ત્યાં હાજર લોકો મદદગારી કરી રહ્યા હતા અને સૌરભરાજ પણ તેમાં જોડાયો હતો. ખાવડા પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, વાહન ચાલુ કરવાની કોશિશ દરમિયાન અચાનક તે પાછળની તરફ ખસક્યું. તે સમયે સૌરભરાજ બે વાહનોની વચ્ચે ઊભો હોવાથી બંને વાહનો વચ્ચે દબાઈ ગયો હતો. ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં ખાવડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોને હિમાચલ પ્રદેશમાં જાણ કરાઈ છે અને તેઓ ખાવડા આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. માત્ર 19 વર્ષની વયે રોજગારી માટે ઘરથી દૂર આવેલા યુવાનનું મદદગારી કરતી વખતે થયેલું કરુણ મૃત્યુ તેના પરિવાર માટે આઘાતજનક સાબિત થયું છે. મોટી રેલડીની વાડીમાં યુવાનનું મોત
ભુજ તાલુકાના મોટી રેલડી ગામે આવેલી વાડીમાં રહેતા 32 વર્ષીય કમલેશ રમેશભાઈ નાયકાનું મોત થયું છે.પધ્ધર પોલીસના જણાવ્યા પ્રમાણે તે રસોડામાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પીએમ અને વિશેરાના રિપોર્ટના આધારે કયા કારણોસર મોત થયું તે સામે આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.
Read Original Article →