વન્યજીવનના નિયમોના ઉલ્લંઘનનો ગંભીર કિસ્સો:છારીઢંઢ રામસર સાઈટમાં ઇન્ફ્લ્યુએન્સરની નોનવેજ પાર્ટીથી વિવાદ, ડ્રોનનો પણ ઉપયોગ

Gujarat4/10/2026, 1:51:16 AM
વન્યજીવનના નિયમોના ઉલ્લંઘનનો ગંભીર કિસ્સો:છારીઢંઢ રામસર સાઈટમાં ઇન્ફ્લ્યુએન્સરની નોનવેજ પાર્ટીથી વિવાદ, ડ્રોનનો પણ ઉપયોગ
કચ્છના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઘાસિયા મેદાન અને પક્ષીઓના સ્વર્ગ સમાન છારીઢંઢ રામસર સાઈટમાં વન્યજીવનના નિયમોના ઉલ્લંઘનનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાની લાલસામાં કેટલાક કથિત ઇન્ફ્લ્યુએન્સર દ્વારા આ સંવેદનશીલ વિસ્તારમાં નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને આ મામલે પકડી માફી પણ મંગાવાઈ છે . આશરે ત્રણ અઠવાડિયા જૂના વાયરલ વીડિયોની તપાસ કરતા વન વિભાગને જાણવા મળ્યું હતું કે,પાંચ જેટલા ઈસમોએ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી ત્યાં ડ્રોન દ્વારા શૂટિંગ કર્યું હતું અને ઘરેથી લાવેલા નોનવેજની મિજબાની માણી હતી. નખત્રાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયકુમાર મોદીએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમે આ પાંચેય શખ્સોની શોધખોળ કરી તેમને પકડી પાડ્યા હતા. વન વિભાગની કડક પૂછપરછ અને સૂચના બાદ આ તમામ ઇસમોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને વન વિભાગ સમક્ષ લેખિતમાં માફી માંગી હતી કે પ્રવાસીઓને આકર્ષવા આ પ્રકારના વિડીયો તેઓ બનાવતા હતા. માંસાહાર માટેની સામગ્રી તેઓએ શિકાર કરીને ઊભી કરી કે ઘેરથી લાવ્યા તે ચર્ચાનો અને તપાસનો વિષય છે. ડ્રોન પણ પ્રતિબંધીત હોવા છતાં બેરોકટોક ઉપયોગ કરાયાનું વીડિયોમાં દેખાય છે વનવિભાગની તપાસમાં શિકાર ન હોવાનું ખુલ્યું ; પણ જોખમ મોટું આર.એફ.ઓ મોદીએ જણાવ્યું કે, વન વિભાગની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે, આ પાર્ટી દરમિયાન કોઈ વન્યપ્રાણી કે પક્ષીનો શિકાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેઓ ઘરેથી ચિકન લાવ્યા હતા. જોકે, રામસર સાઈટ જેવા અત્યંત સુરક્ષિત અને શાંત વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ વન્યજીવો માટે જોખમી સાબિત થઈ શકે છે. જે રીતે ગીરના જંગલોમાં નોનવેજ પાર્ટીઓથી વન્યપ્રાણીઓ લલચાઈને માનવ વસાહત તરફ આવે છે, અને ક્યારેક શિકારનો ભોગ બને છે તેવી જ દહેશત અહીં પણ વ્યક્ત કરવામાં આવી છે. રોડ ટુ હેવન પક્ષીઓ માટે ‘હેલ’ ન બને છારીઢંઢમાં વીડિયો દ્વારા નિયમોનું ઉલ્લંઘન દેખાતું હતું તે સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરાયો છે. ડ્રોનનો ઉપયોગ અને ઘોંઘાટથી સ્થળાંતરિત પક્ષીઓને ખલેલ પહોંચે છે. સમાન સ્થિતિ રોડ ટુ હેવનમાં છે. કલેકટરનું જાહેરનામું છે, અહીં નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે પણ ‘રીલ’ ના ચક્કરમાં વ્યૂ મેળવવા માટે કથિત ઇન્ફ્લ્યુએનસર અહીં શૂટ કરે છે જે સુરખાબ માટે અત્યંત જોખમી છે. આ મુદ્દે પોલીસ-વહીવટીતંત્ર અને વનવિભાગે સંયુક્ત કાર્યવાહી કરવી આવશ્યક છે.
Read Original Article →