ગમખ્વાર અકસ્માત સર્જાયો:સામખિયાળીમાં ટ્રકની ટક્કરે સાયકલ પર સમોસા વેચી ગુજરાન ચલાવતા આધેડનું મોત

Gujarat5/14/2026, 2:06:58 AM
ભચાઉ તાલુકાના સામખીયારી હાઈવે પર પૂરઝડપે આવતા ટ્રક ચાલકે સાયકલ સવારને ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સામખીયારીમાં રહીને સાયકલ પર સમોસા વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ઇસ્તાકભાઈ પઠાણ નામના આધેડ સવારે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળમુખો ટ્રક તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. ઘટનાની વિગત મુજબ, સામખીયારી ટોલનાકા પાસે આવેલી ચામુંડા હોટલ સામેથી જ્યારે ઇસ્તાકભાઈ પોતાની સાયકલ લઈને રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે જીજે 39 ટીએ 3862 નંબરના ટ્રક ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવી તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇસ્તાકભાઈને શરીરે અને ગુપ્ત ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેમને પ્રથમ લાકડીયા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે, રસ્તામાં જ તેમની તબિયત વધુ લથડતા અને શ્વાસ રૂંધાતા તેમને ફરી લાકડીયા હોસ્પિટલ પરત લવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતકના પુત્ર સલમાનભાઈ ઇસ્તાકભાઈ પઠાણે સામખીયાળી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 15 વર્ષથી સામખીયાળીમાં રહી મહેનત મજૂરી કરી પરિવારને સાચવતા પિતાનું અકાળે અવસાન થતાં પરિવાર પર આભ ફાટ્યું છે અને સ્થાનિક પંથકમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.
Read Original Article →