આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ:દેશમાં પહેલીવાર ઓપરેશન રેજપિલ હેઠળ કાર્યવાહી : મુન્દ્રામાં ‘જિહાદી ડ્રગ’નો ઘટસ્ફોટ

Gujarat5/17/2026, 12:12:07 AM
આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ:દેશમાં પહેલીવાર ઓપરેશન રેજપિલ હેઠળ કાર્યવાહી : મુન્દ્રામાં ‘જિહાદી ડ્રગ’નો ઘટસ્ફોટ
ભારતને ડ્રગ્સના ટ્રાન્ઝિટ હબ તરીકે વાપરવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના એક મોટા ષડયંત્રનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુન્દ્રાથી પર્દાફાશ કર્યો છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર ‘જિહાદી ડ્રગ’ તરીકે કુખ્યાત ‘કેપ્ટાગોન’નો જંગી જથ્થો ઝડપાયો છે. ‘ઓપરેશન રેજપિલ’ હેઠળ NCB એ નવી દિલ્હી અને ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી કુલ 182 કરોડ રૂપિયાની કિંમતનું 227.7 કિલો કેપ્ટાગોન ડ્રગ્સ જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી નાખી છે. વિદેશી એજન્સીના ઇનપુટ બાદ 11 મેના રોજ દિલ્હીના નેબ સરાઈ વિસ્તારમાંથી 31.5 કિલો કેપ્ટાગોન ગોળીઓ સાથે એક સીરિયન નાગરિક પકડાયો હતો. આ શખ્સની સઘન પૂછપરછમાં મુન્દ્રા પોર્ટનું કનેક્શન સામે આવતા એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જેના આધારે 14 મેના રોજ મુન્દ્રા સ્થિત કન્ટેનર ફેસિલિટેશન સ્ટેશન એવા ટ્રાન્સવર્લ્ડ સીએફએસમાં NCB એ દરોડો પાડ્યો હતો. અહીં સીરિયાથી 'ઘેટાંના ઊન'ની આડમાં આયાત કરાયેલા એક કન્ટેનરની ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી 3 બેગ મળી આવી હતી, જેમાં 196.2 કિલો કેપ્ટાગોન પાવડર છુપાવેલો હતો. આ જથ્થો ગલ્ફ પ્રદેશ, ખાસ કરીને સાઉદી અરેબિયા અને પડોશી દેશોમાં ટ્રાન્સશિપમેન્ટ માટે રખાયો હતો. દિલ્હીથી પકડાયેલો મુખ્ય સૂત્રધાર સીરિયન નાગરિક 15.11.2024 ના રોજ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. 12.01.2025 ના રોજ તેના વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ભાડાના મકાનમાં રોકાઈને સીરિયાથી મુન્દ્રા વાયા સાઉદી અરેબિયાનું આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો હતો. દિલ્હીમાં તેણે કોમર્શિયલ 'રોટલી વણવાના મશીન'માં ડ્રગ્સ સંતાડ્યું હતું. 2021ના હેરોઈનમાં પણ આતંકી કનેક્શન હતું સપ્ટેમ્બર 2021 માં મુન્દ્રા પોર્ટ પરથી ‘ટેલ્ક સ્ટોન્સ’ ની આડમાં ઈરાનથી આવેલા કન્ટેનરમાંથી 2988 કિલો હેરોઈન ઝડપાયું હતું, જેની કિંમત 21000 કરોડ રૂપિયા હતી. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં ડ્રગ્સ મંગાવનાર ‘આશી ટ્રેડિંગ કંપની’ ના માલિક , તેમજ દિલ્હીના બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનથી આવેલા આ ડ્રગ્સ અંગે NIA ની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો કે, આ ડ્રગ્સના વેચાણની કમાણીનો ઉપયોગ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન ‘લશ્કર-એ-તૈયબા’ દ્વારા ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિઓના ફંડિંગ માટે થવાનો હતો. ડ્રગ્સના એક-એક ગ્રામ પર કાર્યવાહી કરાશે: ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર આ અંગે NCB ને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકાર ડ્રગ મુક્ત ભારત માટે સંકલ્પબદ્ધ છે. મધ્ય પૂર્વ તરફ મોકલવામાં આવનાર ડ્રગના કન્સાઇનમેન્ટનો પર્દાફાશ એ ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભારતના ટ્રાન્ઝિટ રૂટનો ઉપયોગ કરતા ડ્રગ્સના એક-એક ગ્રામ પર કડક કાર્યવાહી કરાશે. કમર્શિયલ કન્ટેનર રૂટનો વધતો દુરુપયોગ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ્સ હવે કમર્શિયલ કાર્ગોનો દુરુપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈમાં પણ ઇક્વાડોરથી નીકળેલા કન્ટેનરમાં 349 કિલોગ્રામ કોકેન ઝડપી પાડવામાં આવ્યું હતું. કન્ટેનરાઇઝ્ડ ટ્રેડ રૂટ્સ મારફતે ડ્રગ્સ ઘુસાડવાની આ મોડસ ઓપરેન્ડીને તોડી પાડવા હવે NCB દ્વારા પ્રાપ્તિના સ્ત્રોત, હવાલા જોડાણો અને આંતરરાષ્ટ્રીય મેળવનારાઓની વ્યાપક તપાસ શરૂ કરાઈ છે. ‘જિહાદી ડ્રગ’ શું છે ? | કેપ્ટાગોનમાં મુખ્યત્વે ફેનેટીલાઇન અને એમ્ફેટામાઇન હોય છે (જે પ્રતિબંધિત છે). તેને ‘જિહાદી ડ્રગ’ કહેવાય છે કારણ કે પશ્ચિમ એશિયામાં આતંકીઓ ઊંઘ અને ડર ભગાડીને સતત હુમલાઓ કરવા આ ગોળીઓનો નશો કરે છે.
Read Original Article →