ભાસ્કર નોલેજ:માધાપરની બેંકમાં રીક્ષા ચાલકના ખાતામાં 47 દિવસમાં ઠગાઈના 7.74 કરોડ ઠાલવાયા

Gujarat6/9/2026, 12:20:18 AM
ભાસ્કર નોલેજ:માધાપરની બેંકમાં રીક્ષા ચાલકના ખાતામાં 47 દિવસમાં ઠગાઈના 7.74 કરોડ ઠાલવાયા
માધાપરની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એક રીક્ષા ચાલકના બેંક ખાતામાં માત્ર 47 દિવસમાં રૂપિયા 7.74 કરોડ રૂપિયા જમા થતા બોર્ડર રેન્જ ભુજના સાયબર ક્રાઇમ પોલીસની નજરે ચડ્યું હતું. જે બાબતે તપાસ કરતા આ બેંક ખાતામાં ઓનલાઈન ઠગાઈના રૂપિયા જમા થયા હતા અને અલગ અલગ રાજ્યમાંથી કુલ 47 ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે ખાતાધારકની અટકાયત કરીને સાયબર માફિયાઓ સુધી પહોંચવાની તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનોજકુમાર મંગરીયાએ માધાપરના આરોપી રીક્ષા ચાલક મુકેશ ભરત ગજરા અને ધીરજ શિવજી ભાનુશાળી સામે ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ પોલીસ સમન્વય પોર્ટલ પર મ્યુલ બેંક ખાતાની તપાસ કરી રહી હતી. એ દરમિયાન સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની માધાપર બ્રાન્ચમાં ચાલતા એક ખાતાની પ્રાથમિક તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે ‘આશાપુરા એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીનું આ ખાતું ગત 20 એપ્રિલના રોજ ખોલવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, ખાતું ખૂલ્યાના માત્ર 47 દિવસની અંદર જ તેમાં રૂપિયા 7,74,15,579 જેટલી માતબર રકમ જમા થઈ ગઈ હતી.આ મામલે પોલીસે બન્ને આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કમિશનની લાલચે સાયબર ઠગોને ખાતું વેચ્યું બેંક ખાતાના કેવાયસી તપાસતા આ પેઢીના પ્રોપરાઇટર તરીકે માધાપર ખાતે રહેતા અને રીક્ષા ડ્રાઈવર મુકેશ ગજરાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, તેના બનેવીના ભાઈ ધીરજ ભાનુશાળી સાથે મળીને તેણે આ કાવતરું રચ્યું હતું. ઓનલાઈન છેતરપિંડી કરતા સાયબર ગુનેગારોને આ બેંક ખાતું વાપરવા આપેલો હતો અને તેના બદલે આરોપી ધીરજે તેને રૂપિયા 50 થી 60 હજાર કમીશન પેટે આપેલા હતા. મ્યુલ એકાઉન્ટ શું છે? : સાયબર ક્રાઈમની ભાષામાં મ્યુલ એકાઉન્ટ એવા બેંક ખાતા છે, જેનો ઉપયોગ સાયબર ગઠિયાઓ છેતરપિંડીના નાણાંની હેરાફેરી (મની લોન્ડરિંગ) કરવા માટે કરે છે. આ ખાતા ગુનેગારોના પોતાના નથી હોતા, પરંતુ અન્ય સામાન્ય નાગરિકોના હોય છે. ગઠિયાઓ કમિશનની લાલચે મેળવે છે ખાતા : સાયબર ગુનેગારો ગરીબ લોકો, વિદ્યાર્થીઓ, મજૂરો કે બેરોજગાર યુવાનોને લાલચ આપે છે. તેઓ “અમારે બિઝનેસના અમુક પૈસા તમારા ખાતામાં મંગાવવા છે, બદલામાં તમને 10 ટકા કમિશન આપીશું” તેવી લાલચ આપીને તેમના બેંક ખાતાની પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક અને ઓનલાઈન બેન્કિંગના પાસવર્ડ મેળવી લે છે. ઘણીવાર ટેલિગ્રામ પર ‘વર્ક ફ્રોમ હોમ’ કે ‘ટાસ્ક પૂરા કરો’ ના નામે પણ આવા ખાતા ખોલાવવામાં આવે છે. નાણાં એટીએમમાંથી ઉપાડી લેવાય : જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિને ફોન પર છેતરીને કે લિંક મોકલીને તેના ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે, ત્યારે તે પૈસા સીધા આ ભાડૂતી ‘મ્યુલ એકાઉન્ટ’માં ટ્રાન્સફર થાય છે. ત્યાંથી ગઠિયાઓ તરત જ ક્રિપ્ટોકરન્સી ખરીદી લે છે અથવા તો અન્ય રાજ્યોના અંતરિયાળ વિસ્તારોના એટીએમમાંથી રોકડા ઉપાડી લે છે. ખાતાધારક માટે જોખમ : સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિ જ્યારે પોલીસ ફરિયાદ કરે છે, ત્યારે સાયબર સેલની ડિજિટલ તપાસ આ ‘મ્યુલ એકાઉન્ટ’ સુધી જ પહોંચે છે. મુખ્ય ભેજાબાજ વિદેશમાં કે અન્ય રાજ્યમાં છુપાયેલો હોય છે, પરંતુ જે વ્યક્તિએ થોડા કમિશનની લાલચમાં પોતાનું ખાતું વાપરવા આપ્યું હોય, તે કાયદાકીય સકંજામાં ફસાઈ જાય છે અને તેની ધરપકડ થાય છે. સાયબર ગઠીયાઓના તાર સમગ્ર દેશમાં ફેલાયેલા છે માધાપરની બેંકમાં ખોલેલા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને દેશના અલગ-અલગ રાજ્યોના નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર મળેલી વિગતો મુજબ, તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહીતના રાજ્યોમાંથી આ એક જ ખાતા વિરુદ્ધ કુલ 47 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.સાયબર ગઠીયાઓનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલો હોવાનું સ્પષ્ટ થાય છે.
Read Original Article →