ઓનલાઇન બેંકિંગ ફ્રોડ:અંજારમાં વેપારી અને પરિવારના બેન્ક ખાતામાંથી 6.50 લાખ ઉપડી ગયા
અંજાર શહેરમાં ઓનલાઇન બેંકિંગ ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વેપારી અને તેમના ભાભીના બેંક ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ કોઈપણ પ્રકારની જાણકારી વગર 17 ટ્રાન્ઝેક્શન દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે. નવા અંજાર વિસ્તારમાં રહેતા અને બિલ્ડિંગ મટીરિયલની દુકાન ચલાવતા લખધીરસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે. ગત 11 મે ના બપોરના તેઓ એક્સિસ બેંકમાં ચેક જમા કરાવવા અને આરટીજીએસ કરવા ગયા હતા, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના સેવિંગ એકાઉન્ટમાં અપેક્ષા કરતા ઓછી રકમ છે. વેપારીએ બેંક ખાતાની હિસ્ટ્રી ચેક કરાવી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી કે, 10 મેના કુલ 8 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા વેપારીની જાણ બહાર તેમના ખાતામાંથી 4,89,183 કપાઈ ગયા હતા. આ ઉપરાંત વેપારીના ભાભીના બેંક ઓફ બરોડાના ખાતામાં પણ વેપારીનો મોબાઈલ નંબર રજીસ્ટર હોવાથી તેનું સ્ટેટમેન્ટ તપાસતા તેમાં પણ 8 અને 9 મે દરમિયાન 9 ટ્રાન્ઝેક્શન દ્વારા 1,62,993 ઉપડી ગયા હોવાનું બહાર આવ્યું હતું. અજાણ્યા શખ્સોએ 17 ટ્રાન્ઝેક્શન કરીને બંને ખાતામાંથી કુલ 6.52 લાખ ઉપાડી છેતરપિંડી આચરી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેઓએ કોઈને પણ ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કરવા માટે કહ્યું ન હતું, કોઈ ઓનલાઇન ખરીદી કરી ન હતી કે કોઈપણ અજાણી વ્યક્તિને ઓટીપી કે નેટ બેંકિંગનો પાસવર્ડ આપ્યો ન હતો, છતાં પણ આ રકમ ખાતામાંથી સાફ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ વેપારીએ તાત્કાલિક સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ અંજાર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરી હતી. અંજાર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →