મંડે પોઝિટીવ:બંને હાથ ગુમાવવા છતાં બુલંદ હોંસલાથી ખેતી કરતા નરાના 54 વર્ષીય શીખ ખેડૂત
“મન મક્કમ હોય તો અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો” આ કહેવતને લખપત તાલુકાના છેવાડે આવેલા સરહદી વિસ્તાર નરા (પંજાબીવાંઢ) ના 54 વર્ષીય હરજીન્દ્રસિંઘ રાયશીખે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે. 25 વર્ષ પહેલાં એક ગમખ્વાર અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી દેવા છતાં, તેઓ આજે જાતે ટ્રેક્ટર અને જીપ ચલાવી, ખેતીકામ કરી પોતાના પરિવારનું હસતા મુખે ગુજરાન ચલાવી રહ્યા છે અને સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 1965ના ભારત-પાક યુદ્ધ બાદ કેન્દ્ર સરકાર દ્વારા કચ્છની સરહદને સુરક્ષિત કરવા શશક્ત લોકોને વસાવવાની નીતિ અંતર્ગત નરા વિસ્તારમાં મોટી સંખ્યામાં શીખ પરિવારોને જમીન આપીને વસાવાયા હતા. હરજીન્દ્રસિંઘના દાદા નરેન્દ્રસિંઘ રાયશીખ અને પિતા નાનકસિંઘ રાયશીખ પણ ત્યારે પંજાબથી અહીં આવીને વસ્યા હતા. હરજીન્દ્રસિંઘનો જન્મ અને લગ્ન પણ નરામાં જ થયા છે અને તેઓ પોતાના દાદાને મળેલી ચાર એકર જમીનમાં ખેતી કરે છે. વર્ષ 2001માં કચ્છમાં અપૂરતા વરસાદને કારણે રોજગારી માટે હરજીન્દ્રસિંઘ પંજાબ ગયા હતા. ત્યાં એક વાડીમાં ખેતીકામ કરતી વખતે ઈલેક્ટ્રીક મોટરમાંથી અચાનક ભારે વીજ કરંટ લાગતા તેમને પોતાના બંને હાથ ગુમાવવા પડ્યા હતા. હાથ કપાઈ ગયા ત્યારે અન્ય દિવ્યાંગ લોકોને જોઇ હિમ્મત આવી
“જ્યારે હાથ કપાઈ ગયા ત્યારે ક્ષણભર માટે વિચાર આવ્યો કે બીમાર માતા-પિતા, પત્ની અને બે પુત્રીઓનું ગુજરાન હવે કેવી રીતે ચાલશે?” હરજીન્દ્રસિંઘે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું. “પરંતુ દવાખાનામાં મેં એવા અનેક લોકોને જોયા જેમની પાસે હાથ-પગ કે આંખો ન હતી, છતાં તેઓ હિંમતભેર જીવી રહ્યા હતા. બસ, મેં પણ મનોમન નક્કી કરી લીધું કે કિસ્મતમાં જે છે તે સ્વીકારીને મારે તો માત્ર બે હાથ જ નથી, બાકી શરીર તો સાબૂત છે.” લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા : પરિવારના સહયોગથી ખેતી અને જવાબદારીનું વહન
પંજાબથી નરા પરત ફર્યા બાદ તેમણે ખેતરમાં માતા-પિતા અને પત્નીને મદદ કરવાનું શરૂ કર્યું. અદમ્ય ઇચ્છાશક્તિથી તેઓ બંને હાથ ન હોવા છતાં ટ્રેક્ટર ચલાવતા શીખ્યા અને તેમાં સફળતા પણ મેળવી. તેઓ માત્ર ટ્રેક્ટર જ નહીં, જીપ પણ સરળતાથી ચલાવી લે છે. એટલું જ નહીં, તેઓ ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે હેન્ડ પંપ પણ ચલાવી લે છે. તેમની હિંમતને પત્નીના અતૂટ સાથનો ટેકો મળ્યો છે. હાથ ન હોવાથી જમવા માટે ક્યારેક પત્ની તો ક્યારેક પુત્ર તેમને જમાડે છે. આ સંઘર્ષમય જીવન વચ્ચે પણ તેમણે પોતાની બંને પુત્રીઓને સારી રીતે પરણાવી છે. ચાર વર્ષ પહેલાં ટીબીથી પીડાતા પિતાનું અવસાન થયું હતું અને હાલ પાંચ વર્ષથી લકવાગ્રસ્ત પથારીવશ માતાની સેવા અને બે નાના પુત્રોના અભ્યાસની જવાબદારી પણ તેઓ સુપેરે નિભાવી રહ્યા છે. સરકારી સહાયની હજુ પણ પ્રતીક્ષા
હરજીન્દ્રસિંઘે જણાવ્યું કે તેમને હાથ ગુમાવ્યાનો લેશમાત્ર રંજ નથી. જોકે, થોડા દિવસો અગાઉ આવેલા મિની વાવાઝોડામાં તેમના મકાનના છાપરા ઉડી ગયા હતા અને ભારે નુકસાન થયું હતું. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા આ પરિવારને હજુ સુધી તંત્ર તરફથી કોઈ સરકારી સહાય મળી નથી, જે એક ખેદજનક બાબત છે.
Read Original Article →