છેતરપીંડી:19 ખેડૂત પાસેથી ઘઉંની ખરીદી કરી 47 લાખની ઠગાઈ

Gujarat5/13/2026, 12:00:00 AM
અબડાસા વિસ્તારના વાંકુ અને વિંગાબેર ગામના ખેડૂતોને બજાર ભાવ કરતા બે રૂપિયા વધારે આપવાની લાલચ આપી ઘઉંની ખરીદી કર્યા બાદ રૂપિયા 47 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. અલગ અલગ 19 ખેડૂતો પાસેથી જથ્થો ખરીદ્યા બાદ મુળ પંજાબનો મુખ્ય આરોપી પલાયન થઇ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકુ ગામના ફરિયાદી જગદીશસિંહ શિવુભા જાડેજાએ જખૌ પોલીસ મથકે મુળ પંજાબના અને હાલ નલિયામાં રહેતા આરોપી રમેશ મુજીરામ ઉર્ફે રામજી અને ખીરસરા કોઠારાના આરોપી ભગુભા પાંચુભા જાડેજા સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીઓએ 23 માર્ચથી 10 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન વાંકુ, વિંગાબેર અને ફુલાયવાંઢ ગામના ખેડુત જગદીશસિંહ જાડેજા, ભરતસિંહ ગાભુભા જાડેજા,કિરીટસિંહ બાપુભા જાડેજા,ભુપેન્દ્રકુમાર ચંપકલાલ જોષી,રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા,ભાવેશસિંહ ટપુભા જાડેજા,રામસંગજી તેજમલજી જાડેજા,નારુભા તેજમલજી જાડેજા,નટુભા નોઘણજી જાડેજા,દિનેશસિંહ બાલુભા જાડેજા,તેજમાલજી રવુભા જાડેજા,શૈલેન્દ્રસિંહ અરજણજી જાડેજા,ભુપેન્દ્રસિંગ સુખદેવસિંગ શીખ,ભારૂભા કાનજી સોઢા,અનુરૂપસિંહ નવુભા સરવૈયા,પૃથ્વીરાજસિંહ વેસુભા સરવૈયા,દિલુભા ભીખુભા જાડેજા,અજીતસિંહ શિવુભા સરવૈયા અને અનિરુદ્ધસિંહ લાલુભા સરવૈયાની વાડી પર જઈ કુલ રૂપિયા 62.20 લાખની કિંમતના 2.96 લાખ કિલો ઘઉંની ખરીદી કરી હતી. આરોપીઓએ બજારભાવ કરતા બે રૂપિયા વધારે આપવાની લાલચ ખેડૂતોને આપી હતી અને ઉધારમાં ઘઉંનો જથ્થો ખરીદ્યો હતો. આરોપીઓએ ખેડૂતોનું વિશ્વાસ કેળવવા માટે 62.20 લાખમાંથી અલગ અલગ ખેડુતોને રૂપિયા 15 લાખ ચૂકવી દીધા હતા. વિશ્વાસમાં આવી ગયેલા ખેડૂતોએ પોતાના ઘઉં આરોપીઓને આપી દીધા હતા. જે બાદ બાકી રહેતા રૂપિયા 47,13,074 ખેડૂતોને આપ્યા વગર પંજાબનો મુખ્ય આરોપી પલાયન થઇ ગયો હતો. પોલીસે બન્ને આરોપી સામે ગુનો દાખલ કરી ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 8 દિવસની ઉધારી અને ભુજમાં ઘઉંનું વેચાણ આરોપીઓએ ખેડૂતોને બજાર ભાવ કરતા બે રૂપિયા વધારે આપવાની લાલચ આપી ઘઉંનો જથ્થો આઠ દિવસની ઉધારીમાં ખરીદ્યો હતો. આરોપીઓએ અલગ અલગ ખેડૂતો પાસેથી લીધેલો ઘઉંનો જથ્થો ભુજમાં વેચાણ કરી દીધો હતો અને તમામ રૂપિયા મેળવી લીધા બાદ આરોપીઓએ મોબાઈલ બંધ કરી ઓફીસને તાળા લગાવી પલાયન થઇ ગયા હતા.
Read Original Article →