કચ્છમાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં:1896 મથકો માટે 4 હજાર EVM તાલુકા મથકોએ રવાના

Gujarat4/13/2026, 1:43:47 AM
કચ્છમાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં:1896 મથકો માટે 4 હજાર EVM તાલુકા મથકોએ રવાના
કચ્છમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ પૂરેપૂરો ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ હવે રણમેદાન તૈયાર છે અને ઉમેદવારોએ વિજયના સંકલ્પ સાથે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ગામડાઓથી લઈને શહેરની ગલીઓ સુધી હવે લોકશાહીના પર્વનો ગુંજારવ સંભળાઈ રહ્યો છે. એક તરફ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર પણ મતદાનની પ્રક્રિયાને ક્ષતિરહિત બનાવવા એક્શન મોડમાં છે. તાજેતરમાં જ કચ્છને ફાળવવામાં આવેલા નવા 9,000 EVM મશીનોનું પ્રથમ તબક્કાનું ચેકિંગ (FLC) પૂર્ણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રવિવારે ભુજના મુખ્ય સ્ટ્રોંગ રૂમ ખાતેથી 4,000 જેટલા ઈવીએમ મશીનોને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વિવિધ તાલુકા મથકોએ રવાના કરવામાં આવ્યા હતા. તંત્રની સાવચેતી એવી છે કે કોઈ પણ આકસ્મિક સંજોગોમાં મતદાન પ્રક્રિયા અટકે નહીં. આ માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ નિયત સંખ્યા કરતા 10% વધુ ઈવીએમ મોકલવામાં આવ્યા છે. જો મતદાન સમયે કોઈ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય, તો તુરંત જ ‘રિઝર્વ’ મશીન દ્વારા પ્રક્રિયા ચાલુ રાખી શકાય. નોંધનીય છે કે કચ્છમાં કુલ 1,196 બિલ્ડિંગોમાં 1,896 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. હાલ તમામ તાલુકા મથકોએ પહોંચેલા મશીનોને સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે, જે મતદાનના દિવસે સીધા બુથ પર લઈ જવામાં આવશે.
Read Original Article →