કાર્યવાહી:કોટડા જડોદરમાં બ્લેકટ્રેપ અને હાજાપરમાં ઓવરલોડ બેન્ટોનાઇટ ભરેલા 4 ડમ્પર પકડાયા
નખત્રાણા અને અબડાસા તાલુકામાં મામલતદારની ટીમો દ્વારા ઓવરલોડ ખનીજના 4 વાહનો સાથે 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, નખત્રાણા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર અને ટીમે હરસિદ્ધિ નગર-કોટડા જડોદર રોડ પરથી બ્લેક ટ્રેપ ભરેલા બે ડમ્પરો ઝડપ્યા હતા. તપાસ દરમિયાન વાહનચાલકોએ લીઝમાંથી ખનીજ ભર્યું હોવાનું જણાવી રોયલ્ટી પાસ રજૂ કર્યા હતા, પરંતુ વજન ચકાસતા બંને વાહનોમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં અનુક્રમે 11.70 મેટ્રિક ટન અને 15.36 મેટ્રિક ટન વધુ ખનીજ હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે બંને વાહનો અને ખનીજ સહિત કુલ રૂ. 72.20 લાખનો મુદ્દામાલ સીઝ કરી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે. બીજી તરફ, અબડાસા મામલતદાર એ.આર. નિનામા અને તેમની ટીમે હાજાપર-વિંઝાણ માર્ગ પર બેન્ટોનાઇટ ખનીજ વહન કરતા બે ટ્રકોની તપાસ કરતા બંને ટ્રકોમાં કુલ 5.50 મેટ્રિક ટન બેન્ટોનાઇટ ખનીજ ઓવરલોડ ભરાયેલું હોવાનું સામે આવતા બંને ટ્રકો અને ખનીજ સહિત અંદાજે રૂ. 60.35 લાખનો મુદ્દામાલ સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશનને કબ્જો સોંપવામાં આવ્યો હતો. ખાણ-ખનીજ વિભાગ હોવા છતાં મહેસૂલ તંત્રને મેદાને ઉતરવું પડ્યું
પશ્ચિમ કચ્છમાં ખનીજ ચોરી અને ગેરકાયદે પરિવહન રોકવા ભુજ ખાણ-ખનીજ વિભાગ ઉપરાંત ફ્લાઈંગ સ્ક્વોડ કાર્યરત છે. તેમ છતાં ખનીજ ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા હોવાથી મહેસૂલ વિભાગના અધિકારીઓને મેદાનમાં ઉતરી કાર્યવાહી કરવાની ફરજ પડી રહી છે. ઓવરલોડનું દૂષણ વકર્યું, આરટીઓ નિંદ્રાધીન
મહેસુલ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ પરિવહનમાં જે ચાર વાહનો કબજે કરાયા તે તમામમાં ઓવરલોડ પરિવહન થતું હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ઓવરલોડ પરિવહનનું દુષણ ફરી વકર્યું છે.ઓવરલોડના કારણે અકસ્માત થવા સાથે રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ રહી છે ત્યારે આરટીઓ વિભાગ ચેકિંગમાં નિદ્રાધીન હોય તેવો ઘાટ સર્જાયો છે.
Read Original Article →