ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં વર્ષમાં 35 હજાર છાત્રોએ એસટીના પાસ કઢાવ્યા, વિભાગને 23.21 કરોડની આવક

Gujarat4/13/2026, 1:57:38 AM
ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં વર્ષમાં 35 હજાર છાત્રોએ એસટીના પાસ કઢાવ્યા, વિભાગને 23.21 કરોડની આવક
વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં એસ.ટી. નિગમ માટે વર્ષ 2025-26 આર્થિક રીતે ફળદાયી રહ્યું છે. જિલ્લામાં આવેલી અસંખ્ય નાની-મોટી કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને કારણે એસ.ટી. મુસાફર પાસ અને વિદ્યાર્થી પાસના આંકડાઓએ નવો રેકોર્ડ સર્જ્યો છે. કચ્છના અંતરિયાળ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભુજ, ગાંધીધામ કે આદિપુર જેવા શૈક્ષણિક કેન્દ્રો સુધી અપ-ડાઉન કરે છે. સરકારની રાહત દરની પાસ યોજનાને કારણે વિદ્યાર્થી પાસની સંખ્યા 34,976 સુધી પહોંચી છે, જેના થકી તંત્રને સૌથી વધુ 23.21 કરોડથી વધુની આવક થઈ છે. જિલ્લામાં મુન્દ્રા, અંજાર, ગાંધીધામ અને કંડલા પટ્ટામાં મોટી સંખ્યામાં કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાં કામ કરતા હજારો મધ્યમ વર્ગના કર્મચારીઓ સુરક્ષિત અને સસ્તી મુસાફરી માટે એસ.ટી. પાસ પર પસંદગી ઉતારી રહ્યા છે. વર્ષમાં કુલ 27,448 મુસાફર પાસ નીકળ્યા હતા જેના થકી એસટી વિભાગને 4,59,10,554 ની આવક થઈ છે. જિલ્લામાં એક તાલુકાથી બીજા તાલુકા વચ્ચેનું અંતર ઘણું વધારે છે. ખાનગી વાહનોમાં મુસાફરી કરવી સામાન્ય માણસને પરવડે તેમ ન હોવાથી, એસ.ટી. તંત્રની પાસ સેવા મુસાફરો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. જો તંત્ર દ્વારા ગાંધીધામ, માંડવી સહિતના વધુ રૂટ અને રાત્રીના સમયે બસોની સુવિધા ફાળવવામાં આવે, તો આગામી સમયમાં આ આંકડો હજુ પણ ઊંચો જઈ શકે છે. વર્ષ 2025-26નું આંકડાકીય વિશ્લેષણ પાસ કઢાવવા હવે લાઈનમાં નહીં ઉભવું પડે, ઓનલાઈન પ્રક્રિયા થશે GSRTC દ્વારા મુસાફરોની સુવિધામાં પાસની ઓનલાઇન પ્રક્રિયા ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી ટેક્નિકલ કારણોસર બંધ રહેલી ઓનલાઈન મુસાફર પાસ સેવા હવે ફરી ચાલુ થઈ છે. કચ્છમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો દરરોજ એસટી બસમાં અપડાઉન કરે છે. અગાઉ મુસાફરોને પાસ કઢાવવા માટે ડેપો પર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે મુસાફરો પોતાના મોબાઈલથી પાસની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. મુસાફરો QR કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા પછી મુસાફર પોતાની અનુકૂળતા મુજબ બસ સ્ટેશન પરથી ફિઝિકલ પાસ મેળવી શકશે. મુસાફરે GSRTCની સત્તાવાર વેબસાઈટ કે પોર્ટલ પર જઈ પોતાની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ રૂટ પસંદ કરી ઓનલાઈન ક્યુઆર કોડથી પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સક્સેસ થયા બાદ જનરેટ થયેલી સ્લિપ બતાવીને નજીકના કોઈપણ એસટી ડેપો કે પાસ સેન્ટર પરથી સ્માર્ટ પાસની પ્રિન્ટ મેળવી શકાશે. 15 ના બદલે 18 દિવસ કરાતા પાસ ઘટ્યા નાણાકીય વર્ષ 2024-25માં કચ્છમાં એસટી દ્વારા 35,356 મુસાફર પાસ ઇસ્યુ કરાયા હતા. જેના પેટે 7,49,26,044 ની આવક થઈ હતી. જેની સામે નાણાકીય વર્ષ 2025-26માં 27,448 મુસાફર પાસ ઇસ્યુ થયા છે એટલે કે એક વર્ષમાં 7908 પાસનો ઘટાડો થયો છે. ગત વર્ષે 15 દિવસના પાસમાં 30 દિવસની મુસાફરી કરી શકાતી હતી જોકે, બાદમાં 15 ના બદલે 18 દિવસ કરાયા છે. નોકરીયાતને મહિનામાં 4 દિવસ વીક ઓફ હોય અને 18 દિવસનો પાસ લેવો પડતો હોવાથી વધારે તફાવત રહેતો ન હોવાથી સંખ્યા ઘટી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
Read Original Article →