રક્તદાન શિબિરમાં 213 યુનિટ એકત્ર થયું:આપણું રક્ત અજાણ્યાને જીવન આપે એ શ્રેષ્ઠ દાન
ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકો અને નીરવ માણેક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત છઠ્ઠા રક્તદાન શિબિરમાં 213 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. દીપ પ્રાગટ્યમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો, ભુજ મહાજન પ્રમુખ મુકેશભાઈ ચંદે, વાગડ રઘુવંશી પરિવાર પ્રમુખ રમેશભાઈ મજેઠીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સંઘચાલક હિંમતસિંહ વસણ, વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી, શંકરભાઈ માણેક, યુવક મંડળ પ્રમુખ ભાવેશભાઈ ઉદેચા જોડાયા હતા. સંતો અને મહેમાનોનું સ્વાગત વાગડ રઘુવંશી પરિવારના હિતેશ મજેઠીયા, નીતિન ભીંડે, ધીરજલાલ રતાણી, રતિલાલ રૈયા, નરેન મીરાણી, સાવન પુજારા, કેતન પુજારા વગેરેએ કર્યું હતું. બીએપીએસ ભુજ મંદિરના પરમચૈતન્ય સ્વામીએ આશિર્વચન આપ્યા હતા. પ્રમુખ મુકેશ ચંદેએ કહ્યું કે આપણું રક્ત કોને જીવનદાન આપશે તે ખ્યાલ આવતો નથી એટલે એ શ્રેષ્ઠ ગુપ્ત દાન છે. હિંમતસિંહ વસણે પંચ પરિવર્તનના પાંચ બિંદુ પૈકીના સ્વબોધનું મહત્વ સમજાવ્યું હતું. અખિલ કચ્છ લોહાણા મહાજન પ્રમુખ સુરેશભાઈ ઠક્કર, અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ચંદે, મહામંત્રી દિનેશભાઈ રાજદે, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ પ્રમુખ રાજેશભાઈ પલણ વગેરેએ રક્તદાતા અને આયોજકોને બિરદાવ્યા હતા. અગાઉ પણ તમામ રક્તદાન શિબિરોમાં 200થી વધુ યુનિટનું એકત્રીકરણ થયું છે. જનરલ હોસ્પિટલ બ્લડ બેન્કના દર્શન રાવલ અને જીવન જ્યોત બ્લડ બેંકના રમણીક પટેલના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે સેવા આપી હતી. કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શિશુવાટીકા અને એન્કરવાલા વિદ્યાધામના આચાર્યોએ શાળાના પ્રધાન આચાર્ય વર્ષાબેન ઠક્કરના માર્ગદર્શનમાં રજિસ્ટ્રેશનમાં સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટના જયસુખ માણેક, વાગડ રઘુવંશી પરિવાર, વાગડ રઘુવંશી યુવક મંડળ અને મહિલા મંડળના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. દરેક સમાજના મિત્રોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આભારવિધિ હાર્દિક ઠક્કર અને સંચાલન હિતેશ ઠક્કરે કર્યું હતું.
Read Original Article →