મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો:કચ્છભરના જર્જરિત રસ્તા સુધારવા નોન પ્લાનિંગ રોડ માટે 141 કરોડ મંજૂર કરાયા
કચ્છ જિલ્લામાં માર્ગ વિકાસને લઈને રાજ્ય સરકાર અને માર્ગ-મકાન વિભાગ તેમજ પંચાયત તંત્ર દ્વારા દર વર્ષે અંદાજે ₹1000 કરોડથી વધુના નવા માર્ગો અને સુધારણા કામો હાથ ધરવામાં આવે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલના ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી તેનાથી એક કલાક પહેલા જ રાજ્ય સરકારે એક સાથે 66 નોન-પ્લાનિંગ રસ્તાઓના કામોને મંજૂરી આપી છે. આ કામો માટે કુલ ₹141.73 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી જાહેરાત ગમે ત્યારે થશે તે નિશ્ચિત હતું, ત્યારે સરકારે પંચાયત વિભાગને આદર્શ આચાર સંહિતા લાગુ પડે તેનાથી એક કલાક પહેલાં જ આ કામોને મંજૂરી આપી દેવામાં આવી હતી. પરિણામે આચારસંહિતા લાગુ થવા પહેલાં જ તમામ કામોને મંજૂરી અને જોબ નંબર ફાળવી દેવાતા આ કામગીરી પર કોઈ પ્રતિબંધ લાગુ પડતો નથી. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્યો દ્વારા લાંબા સમયથી આ રસ્તાઓ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કાચા અને મેટલ રોડને પાકા કરવા માટે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યાં અગાઉ માત્ર મેટલ કામ થયું હતું ત્યાં હવે ડામર રોડ બનાવવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરી વધુ સરળ બની શકે. જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર ટોપીવાલા એ જણાવ્યું હતું કે તમામ કામોને પૂર્વનિયોજિત પ્રક્રિયા મુજબ મંજૂરી આપવામાં આવી છે, તેથી આચારસંહિતા લાગુ પડતી નથી. તેમણે ઉમેર્યું કે વિકાસના આ કામોનો સીધો લાભ ગ્રામ્ય વિસ્તારોના લોકોને મળશે. તાલુકાવાર જોવામાં આવે તો ભુજ તાલુકામાં સૌથી વધુ 19 કામોનો સમાવેશ થાય છે. જ્યારે માંડવીમાં 3, મુન્દ્રામાં 2, ગાંધીધામમાં 7, રાપરમાં 5, અંજારમાં 12, ભચાઉમાં 1, લખપતમાં 8, નખત્રાણામાં 3 અને અબડાસામાં 6 કામો ફાળવવામાં આવ્યા છે. એકસાથે પંચાયતના 66 રોડ સુધારવા માટે જોબ નંબર ફાળવાયા
Read Original Article →