સારવાર:નાળામાં ત્યજી દેવાયેલા નવજાત શિશુને 108ની ટીમે નવજીવન આપ્યું

Gujarat4/12/2026, 12:00:00 AM
સારવાર:નાળામાં ત્યજી દેવાયેલા નવજાત શિશુને 108ની ટીમે નવજીવન આપ્યું
જવાહર નગર (પડાણા) વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી જેમાં એક નિર્દષ નવજાત શિશુને કચરાના ઢગલામાં ત્યજી દેવામાં આવ્યું હતું. જોકે, સમયસર 108 ની ટીમ પહોંચી જતાં આ બાળકનો જીવ બચી ગયો છે. હાલ બાળક સુરક્ષિત હાથોમાં હોવાનું જાણવા મળ્યું છે. જવાહરનગરમાં એક કચરાના ઢગલામાંથી બાળકનો રડવાનો અવાજ આવતા ત્યાંથી પસાર થતા સંતોષબેન નામની મહિલાનું ધ્યાન ગયું હતું. તપાસ કરતા કચરાના ઢગલામાં એક કોથળીમાં નવજાત શિશુને પૂરવામાં આવ્યું હતું. આ જોઈ સંતોષબેને તુરંત જ 108 ઇમરજન્સી સેવાને કોલ કરીને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા જ 108 ના EMT કૌશિક રાણાવાડિયા અને તેમની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર જઈને જોતા નવજાત શિશુ ગર્ભનાળ સાથે જોડાયેલું હતું. EMT એ તાત્કાલિક ગર્ભનાળ કટિંગ કરીને બાળકને બેબી વોર્મરમાં રાખ્યું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ જણાતા ઓક્સિજન સપોર્ટ આપીને તેની તબિયત સ્થિર કરવામાં આવી હતી.પ્રાથમિક સારવાર બાદ બાળકને આદિપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું. ત્યાં હાજર ડૉ. કુલાદિયાને બાળક હેન્ડઓવર કરવામાં આવ્યું છે. 108 ની ટીમે સમયસૂચકતા વાપરીને એક અજાણ્યા બાળકનો જીવ બચાવતા સ્થાનિક લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી.
Read Original Article →