ભાજપ ઉમેદવારોનો વિરોધ થતાં નેતાઓ ભાગ્યા:ભુજના વોર્ડ નંબર 8માં પ્રચાર દરમિયાન સ્થાનિકે અકસ્માત મુદ્દે ઘેર્યાં, જવાબ ન આપી શકતા ચાલતી પકડી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છમાં ભાજપના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક નાગરિકે તીખા સવાલો પૂછતા ગભરાયેલા ઉમેદવારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. અકસ્માત અને મોતના મુદ્દે ઘેરાયા ઉમેદવાર
વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર મનુભા જાડેજા અને મનીષા સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે સ્થાનિક જાગૃત નાગરિક દિગુભા જાડેજાએ તેમને અટકાવીને અગાઉ બનેલી એક દુર્ઘટના અંગે જવાબ માંગ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે, "2 મહિના પહેલા એરપોર્ટ રોડ પર ભારે વાહનોની અવરજવરને કારણે અકસ્માત થયો હતો, જેમાં 2 યુવકોના મોત થયા હતા. તે સમયે તમે ક્યાં હતા?" જવાબ આપવાને બદલે ચાલતી પકડી
સ્થાનિક રહેવાસીના આક્રોશ અને ધારદાર સવાલોનો સામનો કરવાની હિંમત ઉમેદવારો બતાવી શક્યા નહોતા. પ્રજા વચ્ચે જવાને બદલે મનુભા જાડેજા અને મનીષા સોલંકી સ્થળ પરથી ઉતાવળે રવાના થઈ ગયા હતા. ઉમેદવારોનો આ રીતે પીછેહઠ કરતો વીડિયો હાલ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રચારમાં શાસક પક્ષના ઉમેદવારોને મુશ્કેલી
ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને AAP દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભુજની આ ઘટનાએ શાસક પક્ષના ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરી છે. પ્રજા હવે પાયાની સુવિધાઓ અને સુરક્ષાના મુદ્દે નેતાઓ પાસે હિસાબ માંગી રહી છે.
Read Original Article →