મીનાવાડા દશામા મંદિરમાંથી સોનાના હારની ચોરી:પંચમહાલની મહિલા મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપાઈ

Gujarat5/23/2026, 4:00:08 PM
મીનાવાડા દશામા મંદિરમાંથી સોનાના હારની ચોરી:પંચમહાલની મહિલા મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપાઈ
મહુધા તાલુકાના પ્રસિદ્ધ મીનાવાડા ગામમાં આવેલા દશા માતાના મંદિરમાંથી મૂર્તિઓ પર પહેરાવવામાં આવેલા સોનાના આભૂષણોની ચોરીની ગંભીર ઘટના સામે આવી હતી. ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને મહુધા પોલીસની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી કરનાર પંચમહાલ જિલ્લાની એક મહિલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. આ ઘટના મીનાવાડા ગામે આવેલા સુપ્રસિદ્ધ દશા માતા મંદિરના મુખ્ય પરિસરમાં આવેલા નાના મંદિરમાં બની હતી. કોઈ અજાણ્યા શખ્સે લોખંડની બંધ જાળી ખોલીને ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. મંદિરમાં સ્થાપિત દશામા તથા મહાકાળી માતાની મૂર્તિને પહેરાવવામાં આવેલા અંદાજે 10 તોલા વજનના બે સોનાના હારની ચોરી થઈ હતી. ચોરી થયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 12,50,000 રૂપિયા જેટલી થવા જાય છે. આ અંગે મહુધા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ધાર્મિક સ્થળ પર થયેલી આ ચોરીની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. અધિકારીઓએ ગુનાની ઝડપી શોધખોળ કરવા માટે LCB અને મહુધા પોલીસ સ્ટેશનના સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને અલગ-અલગ ટીમો બનાવી કામગીરી સોંપી હતી. તપાસના ભાગરૂપે, પોલીસ ટીમોએ મંદિર અને તેની આસપાસના પ્રવેશ તેમજ નિકાસના માર્ગો પર લાગેલા અંદાજે 38 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તેની ઝીણવટભરી તપાસ કરી હતી. આ સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની પણ મદદ લેવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિલેશકુમાર કનુભાઈને એક મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. આ શંકાસ્પદ મહિલા અંગે હ્યુમન સોર્સના આધારે વધુ તપાસ કરતા તેની ઓળખ દેવીલાબેન ઉર્ફે પિન્કી જશવંતભાઈ સામંતભાઈ બારીયા તરીકે થઈ હતી, જે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાદરડી ગામના બારીયા ફળિયાની રહેવાસી છે. મહિલાની સંડોવણી હોવાની શંકા દ્રઢ બનતા મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં તેની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ સ્વીકાર્યું હતું કે તેણે દશા માતા મંદિરના બંધ દરવાજાને ગેરકાયદેસર રીતે ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને દશામા તથા મહાકાળી માતાની મૂર્તિ પરથી સોનાના બે હારની ચોરી કરી હતી. મહિલાની કબૂલાતના આધારે પોલીસે ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે અને આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને મહુધા પોલીસને સોંપવામાં આવી છે.
Read Original Article →